
ઊંઝા કંથરાવી રોડ ઉપર પીકઅપ ગાડીએ બાઈકને ટક્કર મારતા એકનું સારવાર દરમિયાન મોત
કંથરાવી ગામના ડોડીવાસમાં રહેતા ભાવેશકુમાર દ્વારકાદાસ પટેલ ગત શુક્રવારની રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ પિતા અને ગામના જવાનજી બાબરજી ઠાકોરને બાઈક ઉપર બેસાડી કોઈ કામ અર્થે દવાડા ગામે જવા માટે નીકળ્યા હતા. જે રસ્તામાં નવાપુરા રોડ ઉપર આવેલ જોગણી માતાજીના મંદિર બાજુમાં પહોંચતા સામેથી પૂરઝડપે અને ગફલતભર્યું વાહન ચલાવીને આવતા પોતે બાઈક રોડની સાઈડમાં ઉભું કરી દીધું હતું. છતાં પણ પીકઅપ ડાલાના ચાલાકે વાહનને બેફકિરાઈથી હંકારી બાઈકને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં બાઈક નીચે પટકાતા ત્રણેયને ઈજાઓ થઇ હતી.
આ ઘટનાની જાણ થતાં તેમના સગાઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જેમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી ઘટના સ્થળ ઉપરથી ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં સારવાર દરમ્યાન જવાનજી બાબરજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. આ અંગે ભાવેશકુમાર પટેલે અકસ્માત સર્જી એકનું મોત નીપજાવનાર પીકઅપ ડાલાના અજાણ્યા ચાલાક વિરૂદ્ધ આઈ પી સી કલમ હેઠળ ઉનાવા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.