
વિસનગર પ્રાંત કચેરી ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી
વિસનગર પ્રાંત કચેરી ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર પ્રાંત અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા, તથા તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી યાત્રા દરમ્યાન કરવાની થતી કામગીરીની આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં તારીખ 20/11/2023થી શરૂ થનારી વિકસીત ભારત સંકલ્પ યાત્રા મહેસાણા જિલ્લામાં કુલ 60 દિવસ સુધી 9 વર્ષ દરમિયાનની સરકારની યોજનાઓ અને સિદ્ધીઓ ગ્રામિણ સમુદાયના જન-જન સુધી પહોંચાડવાનું કામ કરશે.
ભારત સંકલ્પ યાત્રામાં સરકારની જુદી-જુદી 17 યોજનાઓને આવરી લેવામાં આવશે. તેમજ યાત્રાનો રથ જે જે ગામમાં જશે ત્યાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે. સ્થળ પર લાભાર્થીને સરકારની યોજનાકીય માહિતી તેમજ તે અંગેની મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વિકસીત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પીએમ.જે.એ.વાયમાં યોજનાના લાભાર્થીઓનું સ્થળ પર કાર્ડ બની રહે તેમ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પીએમ.જે.એ.વાય.માં યોજનાની 100% કામગીરી થાય તેમ જણાવવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન લાભાર્થીઓ દ્વારા સાફલ્ય ગાથા પોતાના દ્વારા અન્ય લોકોને જણાવવામાં આવે તેવુ આયોજન કરવા જણાવ્યું હતું.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યાત્રાના સ્થળે આરોગ્યલક્ષી વિવિધ કેમ્પો જેવા કે, એનસીડી કેમ્પ, સ્થળ પર હાઇપરટેન્સન તપાસ, ડાયાબિટીસ તપાસ, 100% રસીકરણ , ટીબી રોગની તપાસ અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પ્રચાર- પસાર થાય તે માટેની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન અધિકારી દ્વારા નોડલ અધિકારીની નિમણૂક કરી થયેલા તમામ કામગીરીનું નિયમિત રીપોર્ટીંગ તેના પોર્ટલ ઉપર થાય તે માટે જવાબદારી વહેંચવામાં આવી. જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા.