ઊંઝા જીમખાના મેદાનમાંથી ભવ્યાતિભવ્ય ૩ કિ.મી. લાંબી તિરંગા યાત્રા નીકળી
શહેર તિરંગાના રંગે રંગાયુ : રાજકીય અગ્રણીઓ સહિત નાગરિક જોડાયા
ઊંઝા શહેરના જીમખાના મેદાન ખાતેથી તિરંગા સન્માનમાં આયોજીત, રાષ્ટ્રપ્રેમથી તરબોળ એવી ૩ કિ.મી લાંબી તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત નાગરિકો જોડાયા હતા. ભારત માતાકી જય, વંદે માતરમ્ ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આઝાદીના સંઘર્ષ સમયથી આજે આઝાદીના અમૃતકાળમાં આપણો તિરંગો આપણા સૌની શાન બાન અને આન બની રહયો છે. ત્યારે આજે ઊંઝા જીમખાના મેદાન ખાતેથી અતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. જે શહેરના મહિલા કૉલેજ સરદાર ચોક, ગાંધી ચોક, રમણવાડી રામબાગ થઈ પરત ફરી હતી. આ પ્રસંગે સમગ્ર ઊંઝા શહેર તિરંગાના રંગે રંગાયું હતું. માર્ગમાં ભારત માતાકી જય, વંદે માતરમ્ અને આઝાદી અમર રહો જેવાં દેશપ્રેમના ગગનચુંબી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ તિરંગા રેલીમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ભાજપ મહિલા મોરચા પ્રભારી શ્રદ્ધાબેન ઝા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ મિલન, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના પદાધિકારીઓ તેમજ ઊંઝા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તાલુકા પંચાયત સદસ્યો, ઊંઝા નગરની વિવિદ્ય સામાજિક ધાર્મિક વિવિદ્ય શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિધાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.