
કડીમાં કામની શોધમાં નીકળેલાં પતિ-પત્ની અને પડોશીને કારે કચડ્યાં, ઘટનાસ્થળે જ ત્રણેયનાં મોત
કડીના નંદાસણ-છત્રાલ હાઈવે ઉપર આવેલા કલોલ તાલુકાના બિલેશ્વરપુરા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. જોટાણા તાલુકાના મુદરડા ગામના વતની પતિ હરચંદજી ઠાકોર (ઉં.વ.54), પત્ની અમૃતબેન ઠાકોર (ઉં.વ.50) તેમજ કાળાજી ઠાકોર આ ત્રણેય લોકો પોતાના વતને મુદરડા ગામેથી મજૂરીકામ કરવા માટે રિક્ષામાં નીકળ્યા હતા. મહેસાણા વોટરપાર્ક થઈને નંદાસણ થઈ છત્રાલ પાસે આવેલા કલોલ તાલુકાના બિલેશ્વર પાટિયા પાસે ઊતર્યાં હતાં. ત્યાર બાદ તેઓ પેસ્ટિજ હોટલ સામેની બાજુ રોડ ક્રોસ કરીને જઈ રહ્યાં હતાં. ત્યારે છત્રાલ તરફથી આવતી સ્વિફ્ટ ગાડીએ તેમને ધડાકાભેર ટક્કર મારી હતી, જ્યાં ત્રણેય જણા હવામાં ફંગોળાયાં હતાં અને રોડ ઉપર પછડાતાં તેમનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.
જોટાણા તાલુકાના મુદરડા ગામના કાળાજી ઠાકોરે છત્રાલમાં એક કંપનીમાં કડિયાકામ રાખ્યું હતું. હરચંદજી અને અમૃતબેન સહિતના ત્રણ લોકો પોતાના વતનમાંથી કડિયાકામ કરવા માટે નીકળ્યાં હતાં અને તેમને કાળ ભરખી ગયો હતો. બિલેશ્વરપુરા પાટિયા પાસે પતિ પત્ની સહિત ત્રણેય લોકો ઊતર્યાં અને રોડ ક્રોસ કરીને સામેની બાજુ જઈ રહ્યાં હતાં. એ દરમિયાન છત્રાલ તરફથી આવી રહેલી સ્વિફ્ટ ગાડી નંબર GJ 1 RG 0138એ તેમને ધડાકાભેર ટક્કર મારી હતી.
જ્યાં ત્રણેય લોકો રોડ ઉપર પછડાયાં હતાં અને ઘટનાસ્થળે જ તેમનાં કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતને લઈ આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. ત્રણેય લોકોની લાશને કલોલ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને લઇ કલોલ તાલુકા પોલીસ દોડી આવી હતી અને ગાડીચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, પરંતુ તે સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
કાળાજી અને હરચંદજી કુટુંબી ભાઈઓ હતાં તેમજ હરચંદજી અને અમૃતબેન બંને પતિ પત્ની હતાં. ત્રણેય મુદરડાના એક જ મહોલ્લામાં રહેતાં હતાં. છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. જ્યારે એક જ મહોલ્લાના ત્રણ લોકોનાં મોત નીપજતાં મુદરડા ગામમાં શોકમય વાતાવરણ બની ગયું હતું.
જ્યાં હરચંદજી ઠાકોરના કુટુંબી પ્રવીણ ઠાકોર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે મારા બે કાકા અને એક કાકીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. ત્રણેય લોકો બિલેશ્વરપુરા પાટિયા પાસે ઊતર્યાં હતાં અને સ્વિફ્ટ ગાડીએ તેમને ટક્કર મારી હતી. એમાં એક જ કુટુંબનાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. વધુમાં તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મૃતક અમૃતબેન હરચંદજી ઠાકોરને ત્રણ દીકરી અને બે દીકરા હતાં, જેમાં એક દીકરો હજી કુંવારો છે. જોકે કાળાજી ઠાકોરે કોઈ કારણસર લગ્ન કર્યા ન હતા અને તેમના વિધવા ભાભી મંગુબેન જોડે રહેતા હતા.