
વિસનગરના ખંડોસણ ગામે વાડામાં પડેલા સૂકા ઘાસના પૂળામાં આગ લાગી
વિસનગરમાં આજે આગ લાગવાની બીજી ઘટના સામે આવી છે. જેમાં તાલુકાના ખંડોસણ ગામે વાડામાં પડેલ સૂકા ઘાસના પૂળામાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં આગ લાગવાની જાણ વિસનગર ફાયર ફાયટર ને કરતા તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ઊંઝા ફાયર ટીમ સાથે મળી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં આશરે 3 હજાર જેવા ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા.
તાલુકાના ખંડોસણ ગામે રહેતા રબારી કાનજીભાઈ હરજીભાઈ ના વાડામાં સૂકા ઘાસના પૂળા પડ્યા હતા. જેમાં અગમ્ય કારણોસર સૂકા ઘાસના પૂળામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં આગ લાગતા તાત્કાલિક વિસનગર ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઇન્સ્પેક્ટર જયેશભાઈ પટેલ અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કર્યા હતા અને ઊંઝા ફાયર સ્ટેશનથી ફાયર બ્રાઉઝરની જરૂર પડતાં બોલાવવામાં આવ્યું હતું. જેમાં વિસનગર ફાયર ટીમ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવવા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. જેમાં અંદાજે 85 હજાર કિંમતના 3 હજાર જેટલા પૂળા બળીને ખાખ થયા હતા તેવું ફાયર વિભાગ વિસનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું.