
વિસનગરનો એક પરિવાર અંબાજી પગપાળા દર્શને ગયો ને ઊંઝાના શખ્સે મકાનમાં આગ લગાડતા દોડધામ મચી
વિસનગર શહેરના જમાઇપરા વિસ્તારમાં રહેતો પરિવાર મકાન બંધ કરી અંબાજી પગપાળા દર્શન કરવા નીકળ્યો હતો. તે દરમિયાન અગાઉનું મન દુ:ખ રાખી ઊંઝાના શખ્સે તેમના મકાનનો દરવાજો ખોલી આગ લગાડી દેતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં આગ લાગવાથી ઘર વખરી બળીને ખાખ થઈ હતી. જેના પગલે પરિવાર ડભોડાથી પરત વિસનગર દોડી આવી આ બનાવ અંગે વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગર શહેરના જમાઇપરા વિસ્તારમાં રહેતા ઠાકોર જીવીબેન કચરાજી તેમના મહોલ્લામાંથી અંબાજી પગપાળા સંઘ જતો હોવાથી તેમનું મકાન બંધ કરી અંબાજી પગપાળા જવા નીકળ્યા હતા. જ્યાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સે તેમના બંધ મકાનને બળવાપરી દરવાજો ખોલી અંદર આગ લગાડી ફરાર થઇ ગયો હતો. જ્યાં મકાનમાંથી ધુમાડો નીકળતો હોવાથી આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં વિસનગર ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી જઇ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
જે અંગેની જાણ જીવીબેનને થતાં તેઓ પણ ડભોડાથી વિસનગર દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં મકાનની અંદર જોતાં ઘરવખરીનો સામાન સળગી ગયો હતો અને તેમના પાડોશમાં રહેતા રણજીતભાઇ ભલાજી ઠાકોર પાસેથી બાથરૂમ બનાવવા લીધેલ 15 હજાર ગોદડામાં મુક્યા હતા તે પણ સળગી ગયા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન આ આગ તેમની દિકરીને અગાઉ ભગાડી જનાર ઊંઝાના રાવળવાસમાં રહેતા રાવળ પ્રકાશ જગદીશભાઇ નામના શખ્સે લગાડી હોવાનું જાણવા મળ્યું. જેમાં ફરિયાદમાં આ શખ્સ દીકરીને ભગાડી ગયો હોવાથી તેને પરત લાવતા મન દુઃખને આગ લગાડી હોવાનું જણાવ્યું હતું. જેથી આ બનાવ અંગે જીવીબેને વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે રાવળ પ્રકાશભાઇ જગદીશભાઇ વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.