મહેસાણામાં ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ સુરક્ષા જવાનની પત્નીને સહાય 15 લાખનો ચેક અર્પણ
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 દરમિયાન ચૂંટણી પંચે બંદોબસ્ત માટે સીમા સુરક્ષા દળ (રાનીધુલી) (આસામ)ની છઠ્ઠી બટાલીયન ફાળવી હતી. આ બટાલીયના 32 વર્ષીય જવાન હેમારામ ગોગારામ ચૌધરી 5 નવેમ્બરના બીમાર થતાં કડી તાલુકાની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. કુંડાળ હોસ્પિટલમાં તબિયત વધુ ખરાબ થતાં સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાર્ટની અસર જણાતાં તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન 07 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું.
ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીના વારસદારને ઉચ્ચક વળતર મંજૂર કરવામાં આવ્યું હતું. જે ધ્યાને લઇને પોલીસ અધિક્ષક મહેસાણાની દરખાસ્તને વહીવટીતંત્ર મહેસાણાએ ગાંધીનગર મોકલતાં રૂ. 15 લાખની ઉચ્ચક સહાય મંજૂર કરવામાં આવી હતી.
સુરક્ષા જવાન હેમારામ ચૌધરીના લગ્ન 28 એપ્રિલ 2017ના રોજ થયા હતા. તેઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હતા. જે ચૂંટણી ફરજ દરમિયાન કડી તાલુકામાં ફરજ સમયે બીમાર પડ્યા હતા અને અમદાવાદ સિવિલમાં અવાસન થયું હતું. ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ એસ.એસ.બીના જવાન હેમારામ ગોમારામના ધર્મપત્ની પાર્વતી ચૌધરીને રૂ 15 લાખનું ઉચ્ચક વળતરનો ચેક જિલ્લા કલેકટર એમ નાગરાજને એનાયત કર્યો હતો. ચેક એનાયત સમયે જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.એમ તુવર સહિત જવાનના પરીવાજનો ઉપસ્થિત રહ્યા હતા.