મહેસાણામાં 3.60 કરોડના ખર્ચે 20 ટન બાયોગેસ પ્લાન્ટ બનશે
મહેસાણા પાલિકા તેમજ વડોદરા અને જુનાગઢ કોર્પોરેશને પ્લાન્ટ માટે 15 સપ્ટેમ્બરે એક્શન પ્લાન તૈયાર કરી જુલાઇ 2024માં આ પ્લાન્ટ બનાવવા પ્રતિબધ્ધતા દર્શાવેલી છે. આ પ્રોજેક્ટ માટે સરકારે ગ્રાન્ટ ફાળવતાં ડીપીઆર અને તાલીમ સાથે પ્રક્રિયા આગળ વધી છે. મહેસાણા નગરપાલિકાના બાંધકામ ઇજનેરે કહ્યું કે, શહેરમાં રોજ ઉત્પન્ન થતાં 100 ટન કચરામાં અંદાજે 40 ટન ભીનો કચરો હોય છે. આ ભીના કચરાને પ્લાન્ટમાં પ્રોસેસ કરી બાયોગેસ બનાવાશે. તેમાંથી નીકળતા વેસ્ટનો ખાતરમાં ઉપયોગ કરાશે.
બાયોગેસ શુદ્ધિકરણ કરી વાહનોમાં તેમજ રાંધણગેસમાં ઉપયોગ કરી શકાય, જનરેટરથી વીજળી ઉત્પન્ન કરી શકાશે. મહેસાણા શહેરમાં ડમ્પિંગ સાઇડ પર બાયોગેસ પ્લાન્ટથી ઉત્પન્ન ગેસને વીજળીમાં કન્વર્ટ કરી પાવર ગ્રીડમાં નાખીશું. ડમ્પિંગ સાઇડ પર બાજુમાં કચરાનો પ્રોસેસિંગનો પ્લાન્ટ બનનાર છે એટલે વીજળીમાં ઉપયોગી બની રહેશે. દોઢેક વર્ષ પહેલાં કરેલી દરખાસ્ત મંજૂર થઇ છે. પાલિકા ઇજનેર જતીન પટેલ અને પ્રાદેશિક કમિશ્નર કચેરીના પર્યાવરણ ઇજનેર કાળુભાઇ કચ્છાવા બે દિવસ ઇન્દોર ખાતે વર્કશોપ તાલીમમાં જોડાનાર છે. જેઓ ઇન્દોર કોર્પોરેશન સંચાલિત પ્રતિ દિન 500 ટન ક્ષમતાનો કોમ્પ્રેસ ગેસ જનરેટ કરતો પ્લાન્ટની મુલાકાત લઇ તેની વ્યવસ્થા અને કામગીરી નિહાળશે.