કસાઇઓના પાપે કન્ટેનરમાં 61માંથી 54 ગાયોનાં મોત

મહેસાણા
મહેસાણા

મહેસાણાના નુગર પાસેથી ગુરુવારે રાત્રે ઝડપાયેલા ગાયો ભરેલા કન્ટેનરમાં કસાઇઓના પાપે 61 પૈકી 54 ગૌવંશનાં મોત થયાં હતાં. ખીચોખીચ દોરડાથી બાંધેલા હોઇ ઓક્સિજનના અભાવે એકસાથે આટલી મોટી સંખ્યામાં ગૌવંશના મોતથી જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ સંબંધે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. નુગર પાસેથી રાજસ્થાન પાસીંગના કન્ટેનર (આરજે 18જીબી 4881)માંથી 61 જેટલાં ગૌવંશ મળી આવતાં મહેસાણા પાંજરાપોળમાં મૂકવા લવાયાં હતાં. જોકે, કન્ટેનરમાંથી જ્યારે ગાયોને ઉતારવામાં આવી રહી હતી ત્યારે મોટાભાગની મૃત્યુ પામી હતી અને કેટલીક તરફડિયાં મારતી હોઇ તાત્કાલિક પશુચિકિત્સક તેમજ પોલીસતંત્રને જાણ કરાઇ હતી. મોડી રાત સુધીમાં 34 આખલા (7 થી 8 વર્ષ), 2 વાછરડી (3 થી 4 માસ) તેમજ 18 ગાયો (5 થી 7 વર્ષ) મળી કુલ 54 ગૌવંશનાં મોત થતાં હાજર જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ પ્રસર્યો હતો. કન્ટેનરમાં કોથળાના થપ્પા માર્યા હોય તે રીતે ગાયો ભરેલી હતી અને ખોરાક, પાણી કે હવા-ઉજાસની કોઇ સગવડ ના હોઇ ગુંગળાઇ જવાથી મોતને ભેટી હતી. બીજીબાજુ, ગાયોને બેભાન કરવા માટે ઇન્જેક્શન અપાયાંની શંકા છે, ત્યારે પશુ ચિકિત્સકો દ્વારા પીએમ કરી મૃત્યુનું સાચુ કારણ જાણવા તજવીજ કરાઇ છે. ગાયો ભરેલી ગાડી પકડી ત્યારે તેની બેટરી ડાઉન થતાં નવી બેટરી લગાવી કન્ટેનર પાંજરાપોળ લવાયું હતું. ગાયો જ્યારે ઉતારી ત્યારે એકબીજા પર ખીચોખીચ દોરડાથી બાંધેલી હોઇ ગૂંગળાઇ જવાના કારણે મોટાભાગની મૃત્યુ પામેલી હતી અને કેટલીક તરફડિયા મારતી હતી. સંસ્થા દ્વારા તાત્કાલિક પશુ ચિકિત્સકને બોલાવી સારવાર કરાવી તેમજ પોલીસને જાણ કરી હતી. – દિનેશભાઇ શાહ, ટ્રસ્ટી,મહેસાણા પાંજરાપોળ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.