
કડીના ડાંગરવામાં 51 યુવતી-મહિલાઓ તલવારબાજી શીખે છે 10 થી વધુ મહિલાઓ 4 કિમી દૂર ઘુમાસણથી શીખવા આવે છે
કડી તાલુકાના ઘુમાસણ અને ડાંગરવા ગામની 51 યુવતીઓ અને મહિલાઓ હાલ તલવારબાજી શીખી રહી છે. ડાંગરવા ગામે વેરાઈ માતાજી મંદિરમાં શનિ અને રવિવારના દિવસે અમદાવાદનાં ગાયત્રીબા વાઘેલા, મહેસાણાનાં આશાબા સોઢા પરમાર તેમજ લોદરાનાં સેજલબા રાઠોડ દ્વારા આ મહિલાઓને તલવારબાજી શીખવવામાં આવે છે. આવનારા સમયમાં 1000થી પણ વધારે મહિલાઓને તલવારબાજી શીખવવાનું તેમનું લક્ષ છે. તલવારબાજી શીખવનાર ગાયત્રીબા વાઘેલાના જણાવ્યા મુજબ, મેં પણ તલવારબાજીની ટ્રેનિંગ મેળવી છે. ડાંગરવા ગામે 51 મહિલાઓને તલવારબાજી શીખવું છું. કડીના રાજપુરમાં યોજાનાર સમૂહ લગ્નમાં આ બહેનો પ્રથમ વખત તલવારબાજીના કરતબ જાહેર સ્ટેજ પર રજૂ કરનાર છે.