મહેસાણામાં 41.3 ડિગ્રી: ગોટાળે ચડેલા પવનના કારણે ગરમી સાડા 3 ડિગ્રી ઘટી
ઉત્તર ગુજરાતમાં શુક્રવાર દિવસભર પવનની દિશા અનિયમિત રહી હતી. ગોટાળે ચડેલા પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ 5 થી 10 ટકા સુધી વધીને 29 થી 60 ટકાની વચ્ચે રહ્યું હતું. વારંવાર બદલાતી પવનની દિશા અને ભેજ વધવાના કારણે દિવસના તાપમાનમાં સાડા 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય 5 શહેરોનું તાપમાન 40.9 થી 42 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.
તાપમાનમાં આવેલા નોંધપાત્ર ઘટાડા બાદ પણ ગરમીથી રાહત મળી ન હતી. કારણ કે, ઉકળાટ અસામાન્ય રીતે વધ્યો હતો. વાતાવરણની બદલાયેલી આ સ્થિતિના કારણે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીના 9 કલાક સુધી માથુ ફાડે તેવો અસહ્ય ઉકળાટ સાથે આકરી ગરમી અનુભવાઇ હતી. પરિણામે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.
સંધ્યા ટાઇમે પણ ગરમ લૂ પવન ફૂંકાતો હોઇ લોકો ઘરની બહાર નાછૂટકે જ નીકળ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારથી ઉત્તર ગુજરાતમાં મોટાભાગે દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ શકે છે. તેમજ આગામી 3 થી 4 દિવસમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી નીચે આવી શકે છે.