
શેરબજારમાં રોકાણના બહાને શિક્ષક સાથે ૩૯ લાખની છેતરપિંડી કરાઈ
ઊંઝામાં શેર બજારની ઓફિસ હોવાનું કહી સુરેન્દ્રનગરના લીંબડીના શિક્ષકને શેરબજારમાં રોકાણ કરી વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપીને ઓનલાઈન તેમજ આંગડિયા પેઢીઓ મારફતે અલગ-અલગ સમયે કુલ ૩૮.૯૩ લાખ પડાવીને પરત ન કરતા ૫થી વધુ શખસો સામે મહેસાણા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે પરિવાર સાથે રહેતા અને ચુડા તાલુકાના ગોખરવાડા ખાતે શિક્ષણ તરીકે નોકરી કરતા નંદલાલ પટેલના મોબાઈલ પર ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ એક ફોન આવ્યો હતો. જેણે રાધનપુરથી અમિતભાઈ બોલું છું તેમ કહીને શેરબજારમાં રોકાણ કરી સારું વળતર મળશે તેવી લાલચ આપતા નંદલાલે તેણે આપેલા બેંક એકાઉન્ટમાં ૩૦૦૦ રૂપિયા નાખ્યા હતા. તે પછી અમિતે વધુ સારું વળતર મેળવવા માટે જયેશ મહેશ પટેલ કે જે ઊંઝા ખાતે ગણેશ એન્ટરપ્રાઈઝ નામની સ્ટોક માર્કેટની ઓફિસ ચલાવે છે તેમનો નંબર આપ્યો હતો.
નંદલાલે જયેશને ફોન કરતા તેણે શેરબજારમાં રોકાણ કરીને સારું વળતર આપવાની લાલચ આપીને ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી ડોકયુમેન્ટ ઓનલાઈન મંગાવ્યા હતા. જયેશના કહેવા મુજબ નંદલાલે ૪ નવેમ્બર ૨૦૨૨થી ૭ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ૩.૪૩ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ વધુ લાલચ આપતા નંદલાલે ઊંઝા અને વિસનગરની આંગડિયા પેઢીઓ મારફતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી ૩૫.૫૦ લાખ રૂપિયા મોકલ્યા હતા.
આમ અગાઉ અને હવેના મળીને કુલ ૩૮.૯૩ લાખ થતાં હતા. થોડા સમય બાદ નંદલાલે જયેશ પાસે હિસાબ માંગતા તેણે નુકશાન થયું હોવાનું જણાવી નુકશાની પેટે બીજા ૨૫ લાખ માંગ્યા હતા. નંદલાલને શંકા જતા તેઓ ઊંઝા દોડી ગયા હતા અને તપાસ કરતા એવી કોઈ ઓફિસ મળી ન આવતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં મહેસાણા સાયબર ક્રાઈમમાં ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.