મહેસાણા શહેરમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાંથી 2.55 લાખની ચોરી, જમાદાર સસ્પેન્ડ
મહેસાણા શહેરમાં થોડા દિવસ અગાઉ જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી શહેર ટ્રાફિક શાખાની ઓફિસમાં રાત્રી દરમિયાન દંડ પેટે મુકેલા નાણાં અજાણ્યા તસ્કરો દરવાજા તોડી ઉઠાવી ગયા હતા. જેમાં આરોપીને ઝડપવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, હજુ સુધી પોલીસ નિષ્ફળ રહી છે. આ કેસમાં જવાબદાર એક જમદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
શહેરમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાંથી થયેલા 2.55 લાખની ચોરીના કેસના ભેદ હજુ ન ઉકેલાતા મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જવાબદાર ટ્રાફિક શાખાના જમાદાર ભરતભાઇ કાનજીભાઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
ટ્રાફિક પોલીસ સ્ટેશનની ઓફિસને રાત્રે બંધ કરી દેવાય છે. બે અઠવાડિયા પૂર્વ સતત ત્રણ દિવસની બેંક રજા આવતા ભરતભાઈએ દંડ વસુલતની આવકના રૂ 2.55 લાખ પોલીસ સ્ટેશનની તિજોરીમાં રાખ્યા હતા અને સવારે તિજોરીનું તાળું તૂટેલું હતું. આથી PSI વી.પી સોલંકીને જાણ કર્યા બાદ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.