જિલ્લામાં ૩૧૭ સહકારી બેન્કો-ક્રેડિટ સોસા.માં આત્મનિર્ભર સહાય યોજનાનો પ્રારંભ

મહેસાણા
મહેસાણા

રખેવાળ, મહેસાણા

સમ્રગ રાજ્યમાં ૨૧ મેથી શરૂ થનારી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત બુધવારે સહકારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના રજિસ્ટ્રારને માર્ગદર્શન અપાયું હતું. મહેસાણાથી જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાય સહિત સહકારી આગેવાનો પણ જોડાયા હતા.

મહેસાણા જિલ્લામાં અર્બન બેન્કની ૧૬ જેટલી શાખાઓ, જિલ્લા સહકારી બેન્ક અને ૩૦૦થી વધુ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા આ યોજનાનો લાભ સંબધિતો મેળવી શકશે, લાભાર્થીઓ સંબંધિત બેન્કો અને ક્રેડિટ સોસાયટીઓમાં ૨૧મેથી ૩૧ ઓગષ્ટ દરમિયાન અરજી કરી શકશે અને બેન્કો દ્વારા ૩૧ ઓક્ટોબરે તમામ અરજીઓનો નિકાલ કરી ૧૫ નવેમ્બર સુધીમાં તમામને લોન મળી જાય તે પ્રકારે આયોજન કરાયું છે. આ યોજનામાં નાના અને મધ્યમવર્ગના વેપારી, દુકાનદાર, ફેરીયા, રિક્ષાચાલક, પ્લમ્બર વગેરેને ૨ ટકાના વ્યાજદરે રૂ.૧ લાખની લોન મળશે. પરંતુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તામંડળના કર્મચારીઓ, કોઇપણ બેન્કના કર્મચારીઓ કે સરકારી, અર્ધ સરકારી સંસ્થામાં કરાર આધારીત કર્મચારીઓને મળવાપાત્ર નથી.

આત્મનિર્ભર લોન મેળવવા માટે જે તે વેપારી, દુકાનદાર કે અન્ય કારીગર વર્ગ તા.૦૧-૦૧-૨૦૨૦થી વ્યવસાય કરતો હશે તો લોન મળવાપાત્ર થશે. આ લોન ત્રણ વર્ષના સમયગાળામાં ભરપાઇ કરવાની છે, જેમાં શરૂઆતના ૬ મહિના સુધી કોઇ હપ્તો કે વ્યાજ ચૂકવવાનું નથી. આત્મનિર્ભર લોન એક જ વખત મળવાપાત્ર છે. અરજદારે અરજી સાથે આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, વીજળીબીલ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ, વ્યવસાયનો પુરાવો અથવા બાંહેધરી પત્રક સહિત બેન્કે દર્શાવેલા ડોક્યુમેન્ટની બે નકલ સાથે અરજી કરવાની રહેશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.