મહેસાણામાં ડેરીની ખાત્રી સામે નોકરી નહિ મળતાં વિદ્યાર્થીઓનો આક્રોશ
મહેસાણાની દૂધસાગર ડેરીએ કોર્ષ પછી નોકરીની ખાત્રી આપ્યા બાદ નોકરી નહિ આપતા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા અગાઉ ડેરીના સત્તાધિશો અને કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જોકે આજે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડેરીના ગેટ આગળ ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ સાથે ડેરી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
મહેસાણા દૂધસાગર ડેરી દ્રારા કોર્ષ સામે નોકરીની ખાત્રી આપવામાં આવી હતી. જોકે કોઇ કારણસર વિદ્યાર્થીઓને નોકરી નહિ આપવામાં આવતા આક્રોશ ઉભો થયો છે. જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા ડેરીના સત્તાધિશોને ૧૦ દિવસ પહેલા આવેદનપત્ર આપી ઘટતું કરવા માંગ કરવામાં આવી હતી. ગઇકાલે ફરીથી મહેસાણા કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રોષ ઠાલવવામાં આવ્યો હતો. જોકે આજે મોટી સંખ્યામાં એકઠા થઇ વિદ્યાર્થીઓએ ડેરી સામે સુત્રોચ્ચા કર્યા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, દૂધસાગર ડેરીના પરિપત્ર ક્રમાંક સી.એસ.૦૪ તારીખ ૧૨-૬-૨૦૧૫ અનુસાર ગણપત યુનિવર્સીટી હેઠળ મિલ્ક પ્રોડક્શન અને ડેરી મેનેજમેન્ટનો ૪ વર્ષનો કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં ૧૦૦ ટકા નોકરીની બાંહેધરી પણ ડેરી દ્રારા આપવામાં આવી હતી. જોકે ૨૦૧૯માં અભ્યાસ પૂરો કરેલ વિદ્યાર્થીઓ કોર્ષ મુજબની નોકરીથી વંચિત રહ્યા હોવાનું સામે આવતા એબીવીપી મેદાને આવ્યુ છે. વિદ્યાર્થીઓ દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ડેરીના સંચાલકો દ્રારા સંતોષપૂર્ણ જવાબ આપવામાં આવેલ નથી. આ સાથે ૨૦૨૦માં પાસ થનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખતરામાં લાગી રહ્યું હોવાથી એબીવીપીએ ન્યાયની માંગ કરી છે.