મહેસાણાઃ એસિડ હુમલાની ભોગ બનેલ કાજલનું જીવન બન્યું નર્કાગાર

મહેસાણા
મહેસાણા 46

સામાન્ય રીતે આપણા મનમાં છાપ હોય છે કે એસિડ એટેક્સ તો બિહાર, ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા સ્ત્રીઓ માટે જોખમી ગણાતાં રાજ્યોમાં જ નોંધાય છે. પરંતુ મહિલાઓ માટે એકદમ સુરક્ષિત મનાતા આપણા ગુજરાતમાં પણ આવા જઘન્ય ક્રાઈમ અગેન્સ્ટ વિમેન નોંધાયા છે. કમનસીબે કાજલ પ્રજાપતિ તેમાંની એક છે. વર્ષ ૨૦૧૬માં કાજલ પર એસિડ અટેક થયો હતો. એસિડ અટેક વખતે તેની ઉંમર માત્ર ૧૭ વર્ષની હતી. જલદ એસિડને કારણે કાજલનો ચહેરો ગંભીર રીતે દાઝી ગયો અને એક આંખ પણ ગુમાવવી પડી. છેલ્લાં ચાર વર્ષથી કાજલના ચહેરાને નોર્મલ બનાવવાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આજે પણ તેની એક આંખ માંડ માંડ ખૂલી શકે છે. આ હિચકારા હુમલા પછી કાજલે કોલેજનો અભ્યાસ પણ છોડી દેવો પડ્યો હતો.
 
૨૧ વર્ષની કાજલ મહેસાણાના રામોસણા ગામની રહેવાસી છે. તેણે ૧૨મું ધોરણ પૂરું કરીને મહેસાણાની વી. આર. પટેલ કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન લીધું હતું. અન્ય છોકરીઓની જેમ કાજલ પણ પોતાની કોલેજલાઈફ અને અભ્યાસને લઈને ઘણી ખુશ હતી. પરંતુ કાજલની જાણ બહાર મૂળ વડનગરનો રહેવાસી એવો હાર્દિક પ્રજાપતિ કાજલનાં એકતરફી પ્રેમમાં પડ્યો હતો. તેણે ઘણી વખત કાજલ સાથે વાત કરવાના પ્રયત્નો કર્યા અને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, જેને કાજલે નકારી દીધો હતો. હાર્દિકને આ વાતનો ગુસ્સો આવ્યો અને તેણે ‘તું મારી નહીં, તો કોઈની પણ નહીં’ એવી વાહિયાત ભાવનાથી કાજલના ચહેરા પર એસિડ ફેંક્યો. આ ઘટનાનાં ૨ વર્ષ પછી કાજલને ન્યાય મળ્યો. સેશન્સ કોર્ટે આરોપી હાર્દિક પ્રજાપતિને ૧ લાખ રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી. ઘટનાનાં બે વર્ષ પછી સરકારે પણ કાજલને સારવાર માટે ૩ લાખ રૂપિયાની સહાય કરી, પણ તેના અનેક ગણા રૂપિયા કાજલના પિતા મહેન્દ્રભાઈ પ્રજાપતિએ આજ સુધી ખર્ચી નાખ્યા છે.
 
‘મારા ગુનેગારને સજા તો થઈ ગઈ, પણ શું તેનાથી મારો ચહેરો પહેલાં જેવો થઈ જશે? તેના ચહેરા પર પણ એસિડ ફેંકવાની જરૂર હતી, જેથી તેને પણ ખબર પડે કે આ વેદના કેટલી અસહ્ય હોય છે. કાજલે કહ્યું કે, ૨ ફેબ્રુઆરી, ૨૦૧૬નો દિવસ મારા માટે સામાન્ય જ હતો. હું મારાં લેક્ચર પૂરાં કરીને મારી મિત્ર સાથે કોલેજની બહાર ઊભી હતી. અચાનક ક્યાંકથી હાર્દિક ત્યાં આવ્યો અને હું કંઈ વિચારું તે પહેલાં મારા પર એસિડ ફેંકીને જતો રહ્યો. આ એસિડ મારી મિત્રનાં હાથ-પગ પર પણ પડ્યો હતો. એક ક્ષણ માટે તો હું વિચારી ન શકી કે મારી સાથે શું થઈ ગયું! મારા પિતા રિક્ષા ચલાવે છે, તેમને કોઈકે કહ્યું કે કોલેજમાં કંઈક ઝઘડો થયો છે. તે દોડતાં આવ્યા અને મને ઓળખી લીધી. તેઓ જોઈ રહ્યા હતા કે, મારો ચહેરો એસિડને કારણે કોઈ આઈસ્ક્રીમ પીગળતો હોય તેમ પીગળી રહ્યો છે. કોલેજનો વિદ્યાર્થી મને બાઈક પર બેસાડીને હોસ્પિટલ લઈ ગયો.
 
કાજલને પહેલાં મહેસાણાની લાયન્સ કોલેજમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી ડોક્ટરના કહ્યા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. કાજલના દુઃખમાં તેનો આખો પરિવાર અડીખમ સાથે ઊભો હતો. કાજલે ચાર મહિના સિવિલ હોસ્પિટલમાં વિતાવ્યા. અત્યાર સુધી તેની પર ૮ સર્જરી અને કેટલીયે લેસર ટ્રિટમેન્ટ થઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં સારવારને અભાવે કાજલ મહિનામાં ૪ વખત અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આવે છે. તેની ટ્રિટમેન્ટ પાછળ મહિને આશરે ૮૦ હજારથી ૧ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. કાજલના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેનો મોટો ભાઈ નોકરી કરે છે. સામાન્ય પરિવારમાંથી આવતી કાજલની સારવાર માટે દર મહિને રૂપિયા ભેગા કરતાં દમ નીકળી જાય છે. કાજલે એવો પણ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ્યારે તેને દાખલ કરી હતી ત્યારે પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ તેને ૪ મહિનામાં માત્ર એક જ વખત જોવા આવ્યા હતા. તેની સારવાર ત્યાં ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહેલા વિદ્યાર્થીઓએ કરી હતી.
 
એસિડ અટેક થયો તે સમયે કાજલના ઘરનું ગુજરાન તેના પિતાની કમાણીથી થતું હતું. રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા કાજલના પિતાની માસિક આવક માંડ પંદર હજાર રૂપિયા જેટલી છે. પરંતુ આગળ કહ્યું તેમ કાજલની સારવાર પાછળ જ મહિને લાખેક રૂપિયા જેવો ખર્ચ આવે છે. કાજલને ઘણા લોકોએ મદદ કરવાના વાયદા કર્યા પણ નેતાથી લઈને કોઈ સોશિયલ વર્કર પણ તેની ખબર કાઢવા હોસ્પિટલ કે ઘરે આવ્યું નથી. આ બધા વચ્ચે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પોતાની માનવતા ન ભૂલીને તેમનાંથી બને તેટલા પ્રયત્નો કર્યા હતા એવું કાજલ કબૂલે છે.
 
કાજલ પર એસિડ અટેક થયો ત્યારે તેની કોલેજના સાયન્સના વિદ્યાર્થીઓએ આવીને ફટાફટ તેના ચહેરા પર દૂધની ધાર કરી હતી જેથી દાઝેલા ચહેરા પર તેને થોડી રાહત મળી ગઈ હતી. આ ઘટના બની ત્યારે હજુ કાજલે ભણવાનું શરુ જ કર્યું હતું. તે આજે પણ અભ્યાસ શરૂ કરવા માટે તેની આંખો સરખી ખૂલે તે દિવસની રાહ જોઈ રહી છે. કાજલના ગુનેગાર હાર્દિક પ્રજાપતિને તો સજા મળી ગઈ, પણ ખરેખરી સજા ૪ વર્ષથી  ઘરમાં પૂરાયેલી કાજલને મળી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.