
કડીના ઝુલાસણ ગામે પાંચ ઈસમો ગાડીઓ ભરીને પહોંચ્યા
કડી તાલુકાના ઝુલાસણ ગામે દીકરીને તેડી જવાની બાબતે ધીંગાણું મચી ગયું હતું. કડી તાલુકાના કાસવા ગામના પાંચ ઈસમો ગાડીઓ ભરીને ઝુલાસણ ગામે આવી પહોંચ્યા હતા અને ઘરના દરવાજા તેમજ કાચ તોડી ધાકધમકીઓ આપી રફુચક્કર થઈ જતાં નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી.
કડી તાલુકાના ઝુલાસણ ગામે રહેતા વિષ્ણુભાઈ કે જેઓ ઘર પરિવાર અને પત્ની સાથે પોતાના ઘરે હાજર હતા અને તેમના નાનાભાઈ રાજુના લગ્ન કાસવા મુકામે કરેલા છે. છેલ્લા દોઢ મહિનાથી રાજુની પત્ની તેના માતા પિતાના ઘરે રિસાઈને બેઠેલી છે અને સમાધાનની વાતચીત બંને પરિવાર વચ્ચે ચાલી રહી હતી. જે દરમિયાન રાજુભાઈ તેમજ તેમના પત્ની સહિતના પરિવારજનો પોતાના ઘરે હાજર હતા. ત્યારે વિરમભાઇ, જીવાભાઇ, કનુભાઈ, ભરતભાઈ સહિત i20 ગાડી તેમજ અન્ય ગાડીઓ ભરીને વિષ્ણુભાઈના ઘરે આવી પહોંચ્યા હતા અને જેમતેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. બાદમાં છુટ્ટા પથ્થરો માર્યા હતા અને ધોકા અને લાકડીઓ વડે બારી દરવાજાના કાચ તોડી કાઢ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજો પણ તોડી કાઢ્યો હતો. વિષ્ણુભાઈના પરિવારજનો ગભરાઈ જતા તેઓએ બારી દરવાજા બંધ કરી ઘરમાં પુરાઈ ગયા હતા.
ઝુલાસણ ગામે વિષ્ણુભાઈના ઘરે તેમના ભાઈના સાસરિયાઓ આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તમારા ભાઈ રાજુનું સાસરુ અમારા ઘરે થાય છે અને રાજુ અમારી દીકરીને તેડી જતો નથી. જેવું કહીને બિભસ્થ ગાળાગાળી કરવા લાગ્યા હતા. જ્યાં હોબાળો થતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. વિષ્ણુભાઈની ગાડી બહાર પડી હતી. તેને પણ લાકડીઓ મારીને ગાડીને તોડફોડ કરી હતી. ગ્રામજનો ભેગા થઈ જતા અને સમજાવતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. જ્યાં વિષ્ણુભાઈએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ કાફલો ગામ ખાતે આવી પહોંચ્યો હતો અને 5 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.