સસલાના કાન લાંબા કેમ ?

કલરવ
કલરવ

બાલમીત્રો તમે સસલું જાયું હશે. તેના કાન કેટલા બધા લાંબા હોય છે ? આપણને વિચાર થાય કે સસલાના કાન લાંબા કેમ ? તો આની રસપ્રદ કહાની છે.
એક જંગલમાં એક સસલું રહેતું હતું. સુંદર મુલાયમ રૂની પુણી જેવું અને સફેદ. તે વખતે તેના કાન આટલા લાંબા ન હતા. આ સસલાનો સ્વભાવ મોજીલો હતો. પણ તેનામાં એક કુટેવ હતી. બધાંની મશ્કરી કરવાની ટેવ હતી. કોઈની પુંછડી તાણીને દોડી જાય, કોઈ પ્રાણીનો પગ ખેંચીને દોડી જાય, વાઘ આરામ કરતો હોય તો તેની મુંછ તાણીને દોડી જાય. આ રીતે દરેકની મશ્કરી કરવાની ટેવ, બધા પ્રાણીઓ સસલાને નાનું પ્રાણી સમજીને કાંઈ બોલતાં નહીં. કોઈ ઠપકો પણ આપે કે, ‘સસલા તારી આ ટેવ સારી નથી’ પણ તે કોઈની વાત ગણકારે નહીં..’
એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. બધાં પ્રાણીઓ પોતપોતાને સ્થાને આરામ કરતાં હતાં. સસલાભાઈ આરામ કરે ખરા ? તે તો નીકળી પડયા કોઈની મશ્કરી મજાક કરવા. એક નાનું સેતુરનું ઝાડ હતું. ઝાડ પર કેટલાક વાંદરાઓનું ટોળું બેઠું હતું. કોઈ સેતુર ખાતા હતા. કોઈ વાંદરા ઝાડ પર આરામ કરતા હતા. સેતુરના ઝાડની એક ડાળ સાવ નીચી હતી. તે ડાળ ઉપર એક વાંદરો આરામથી બેઠો બેઠો સેતુર ખાતો હતો. તેની પુંછડી નીચે લટકતી હતી. પેલું સસલું ફરતું ફરતું ત્યાં આવ્યું. તેને વાંદરાની મશ્કરી કરવાનું મન થયું. ડાળ નીચી હોવાથી વાંદરાની પુંછડી સાવ જમીનને અડકે તેટલી નીચી લટકતી હતી.સસલુંધીમે ધીમે ત્યાં આવ્યું અને વાંદરાને ખબર ન પડે તેવી રીતે મોં વડે વાંદરાની પુંછડી પકડી લીધી અને તેને પુરી તાકાતથી ખેંચી જેથી વાંદરો સમતુલના ગુમાવી બેઠો અને પડયો જમીન પર. માથા ઉપર પણ થોડું વાગ્યું. પુંછડી કોણે ખેંચી તેની તેને સમજ પડી નહીં. પણ ત્યાં તેણે પેલા સસલાને દોડતું જાયું. તેથી તેને ખ્યાલ આવી ગયો કે આ પેલા સસલાનું કારસ્તાન છે પણ હાલ તે કાંઈ કરી શકે તેમ ન હતો. કારણ કે સસલું દોડીને દુર નીકળી ગયું હતું. વાંદરાને પેલા સસલા પર ગુસ્સો આવ્યો અને મશ્કરી કરનાર સસલાનું વેર વાળવાનું નક્કી કર્યું.
સસલું પણ ચાલાક હતું. તે વાંદરાની પકડમાં આવતું નહીં, તે વાંદરો સસલાને પકડીને શિક્ષા કરવાની તક શોધતો હતો. અચાનક વાંદરાને શિયાળનો ભેટો થઈ ગયો. વાંદરો બોલ્યો, શિયાળબેન પેલું સસલું મારી મશ્કરી કરીને ભાગી ગયું છે.. મારા પકડવામાં આવતું નથી.એક દિવસ શિયાળ સસલા પાસે ગયું અને બોલ્યું, ‘અરે સસલાભાઈ તમે વાંદરાથી આટલા ડરી ગયા છો ? હમણાં બહાર પણ નીકળતા નથી ! જરાય ગભરાશો નહીં. મારી સાથે ચાલો. વનરાજસિંહનો હું ખાસ મિત્ર છું. અને તમે મારી સાથે ચાલશો તો વાંદરા તમને કાંઈ નહીં કરી શકે..’ સસલાને થોડો વિશ્વાસ આવ્યો તે ચાલ્યું શિયાળ સાથે જંગલમાં.. એક ઝાડની ઓથે વાંદરો સંતાઈને બેઠો હતો. શિયાળે ઈશારો કર્યો કે તરત જ તે દોડતો આવ્યો અને બે હાથ વડે સસલાને પકડી લીધું. સસલાએ ઘણો છટકવા પ્રયત્ન કર્યો પણ તે છટકી શકયું નહીં.
સસલું વાંદરાને કરગરવા લાગ્યું કે, ‘હે વાંદરાભાઈ મને છોડી દો. હવે હું આવું કોઈ દિવસ નહીં કરૂં..’ મારી ભુલ થઈ ગઈ.. ’
વાંદરો કહે, ‘હવે તને છોડાતું હશે ? તારા તો હવે રાઈ રાઈ જેવા ટુકડા કરૂં..’ સસલું તો ગભરાઈ ગયું અને વાંદરા પાસે ખુબ વિનંતી કરવા લાગ્યું. વાંદરાને હવે થોડી દયા આવી તે બોલ્યો, ‘જા હવે તને મારતો નથી પણ થોડી શિક્ષા કરીને છોડી મુકું છુ..’ વાંદરો કયાંકથી મોટું દોરડું લઈ આવ્યો અને દોરડા વડે તેના નાના કાનને બાંધી દીધા અને તેને ઝાડની ડાળી સાથે લટકાવ્યું. તેના કાન ખેંચાવા લાગ્યા. કાનની ચામડી પાતળી હોવાથી કાન ખેંચાઈને લાંબા થવા લાગ્યા. સસલાએ છોડી મુકવા વાંદરાને ખુબ વિનંતી કરી ત્યારે વાંદરાએ તેને છોડયું. તેના કાના તણાવાના કારણે લાંબા લાંબા થઈ ગયા હતા. ત્યારથી આ સસલું લાંબા કાનવાળું થઈ ગયું. તે જંગલમાં દોડી ગયું.. તેણે બીજાની મશ્કરી કરવાની ટેવ છોડી દીધી. તેને ખબર પડી ગઈ કે કોઈની મશ્કરી કરવાનું શું પરિણામ આવે છે ?
મિત્રો આ વાર્તા પરથી આપણે પણ એક બોધ લેવાનો કે આપણે કોઈની મશ્કરી મજાક કરવી નહીં, નહીં તો સસલા જેવી દશા આવે છે.
કહેવત છે કે, ‘જે જન મશ્કરી કરવા જાય તે તો પાછળથી પસ્તાય..’
ચંપકલાલ એલ.સોની (ભાભર)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.