મનનાં મેલને દુર કરો!

કલરવ
કલરવ

એક રાજા હતો.
તેને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. એટલે તેણે ચારે બાજુ સદ્દગુણી સાધુઓની શોધમાં રાજયના સેવકોને દોડાવ્યા. રાજાની જ્ઞાન પિપાસાની વાત સાંભળીને દુર દુરથી સાધુઓના ટોળા ટોળા રાજદરબારમાં દરરોજ આવવા લાગ્યા.
સાધુઓ રાજાને દરરોજ અવનવો ઉપદેશ દેવા લાગ્યા, પણ રાજાના મનને કેમેય કરીને સંતોષ થતો નહોતો.
તેને થતું આ બધા સાધુ સંતો તો સાવ ખોટા છે. એટલે તેમને બધાને જેલમાં પુરવા જાેઈએ એટલે એણે બધા સાધુ સંતોને જેલમાં પુરી દીધાં
ધીરે ધીરે સાધુ સંતો રાજાને ઉપદેશ આપવા આવતા બંધ થયા. થોડાક દિવસો પછી રાજદરબારમાં એક મહાતેજસ્વી સાધુ રાજા પાસે આવ્યો. રાજાએ તેજસ્વી સાધુને વંદન કર્યા અને એમણે ઉપદેશ આપવાનું કહયું.
સાધુ મહાત્માએ કહયું,‘‘હું ઉપદેશ તો આપુ પણ મારી એક શરત છે, જાે તમે કબુલ કરો તો.’’
‘‘બોલો, શું શરત છે તમારી?’’ રાજાએ કહયું.
‘‘હું કહું તેમ કરવાનું અને વચ્ચે સહેજ પણ બોલવાનું નહિ.’’
‘‘કબુલ, પણ જાે મને તમારો ઉપદેશ અસર નહિ કરે તો તમારા હાલ પણ બીજા સાધુ સંતો જેવા થશે.’’
‘‘ભલે.’’ સાધુ મહાત્માએ કહયું. ‘‘હવે તું મારો શિષ્ય અને હું તારો ગુરૂ. તું મારી સાથે ચાલ.’’ રાજા તેમની સાથે ચાલી નિકળ્યા. ચાલતાં ચાલતાં બંને નગરની બહાર આવ્યા. ત્યાં એક મરેલું ઊંટ પડયું હતું. તેનું શરીર ફુલી ગયું હતું. વળી તેના મૃત શરીરમાંથી દુગંધ મારતી હતી.
પેલા સાધુ મહાત્માએ પુછયું,‘‘રાજન! આ શું છે.?’’
‘‘ગુરૂદેવ, એ મરેલું ઊંટ છે.’’ રાજાએ જવાબ આપ્યો.
‘‘હવે તમે એની પ્રદક્ષિણા કરો.’’ રાજાએ સાધુના કહેવા પ્રમાણે મૃત ઊંટની પ્રદક્ષિણા કરી. પરંતુ ફરતી સમયે રાજાએ પોતાના નાક પર રૂમાલ દબાવીને રાખ્યો હતો. પ્રદક્ષિણા પુર્ણ થયા બાદ રાજા એક સ્થાને જઈને ઉભો રહયો.
સાધુએ ફરીવાર કહયું,‘‘હવે તમે મને તેના પગ, આંખ, પેટ, મોઢું એમ શરીરના દરેક અંગનું વર્ણન કરો.’’
રાજાએ ઊંટના એક પછી એક અંગ પર નજર નાંખતો જાય અને પછી એનું વર્ણન કરતો જાય. ત્યારબાદ બંને જણા નગરમાં પાછા ફર્યા.
સાધુએ કહયું, ‘‘મરદુ એ એક અપવિત્ર વસ્તુ છે. માટે જયાં સુધી તેને તું તારા મનમાંથી એનું ચિત્ર દુર ના કરે ત્યાં સુધી તારે ભોજનનો ત્યાગ કરવાનો છે.’’આટલું કહીને સાધુ પોતાના આવાસમાં ચાલ્યો ગયો.
થોડીવાર પછી રાજાને માટે ભોજનનો થાળ આવ્યો. પણ રાજાની નજર સામેથી પેલું ઊંટ અને દુગંધ મારતું શરીરનું ચિત્ર કેમેય કરીને ખસતું જ નહોતું. જેમ જેમ તે પ્રયત્ન કરે તેમ તેમ તે વધુને વધુ નજર સામે આવતું જાય. છેવટે રાજા કંટાળી ગયો.
અને પછી રાજા પોતે સાધુને મળવા ગયો અને બધી વાત કહી સંભળાવી.
તરત જ સાધુએ કહયું,‘‘રાજન! તું તારા મનનો મેલ દુર નથી કરી શકતો તો પછી એવા મલિન હૃદયે તું ઉપદેશ કેવી રીતે ગ્રહણ કરી શકીશ?’’
સાધુની વાત સાંભળીને રાજાની જ્ઞાનની ચક્ષુઓ ખુલી ગયા. એને પોતાની ભુલ સમજાઈ. અને તે તરત જ તેજ તપસ્વી સાધુ મહારાજના ચરણોમાં પડીને પોતાની ભુલ સુધારી લીધી.
ત્યારબાદ તેણે જેલમાં પુરેલા તમામ સાધુ સંતોને મુકત કર્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.