પરિવર્તન

કલરવ
કલરવ 113

જંગલમાં એક ઝાડ પર એક કબૂતર પોતાની કબૂતરી અને બે નાના-નાના બચ્ચાં સાથે રહેતું હતું.બચ્ચાં ઘણાં જ નાના હતા એટલે તેઓ ઉડી શકતા નહોતા. સવાર પડતાં જ કબૂતર-કબૂતરી દાણાની શોધમાં નીકળી પડતા. સાંજ પડતાં જ તેઓ પાછા માળામાં આવી જતા. બાળકો એમને આવતા જાેઈને અત્યંત ખુશ થતા હતા. આ ઝાડ પર એક વાંદરો રહેતો હતો. તે પોતાની જાતને સૌથી વધુ શક્તિશાળી માનતો હતો તે દરરોજ નાની નાની વાતો પર પક્ષીઓ સાથે ઝઘડી પડતો હતો.
ઝાડ પરના બધા જ પક્ષીઓ વાંદરાથી ડરતા હતા અને વાંદરાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હતા. પણ વાંદરો કોઈપણ બહાનું બનાવીને એમની સાથે લડતો રહેતો હતો. એણે અનેક પક્ષીઓના માળા તોડી નાખ્યા હતા અને તે અત્યંત રાજી થતો હતો.
ઝાડ પરના બધા પક્ષીઓ વાંદરાના ડરથી પરેશાન હતા.એની સામે બોલવાની કોઈની હિંમત નહોતી. એક દિવસ વાંદરાએ બધા પક્ષીઓને બોલાવીને કહ્યું, ‘જુઓ હું સૌથી શક્તિશાળી છું માટે તમારે મને દરરોજ સલામ મારવાની છે.’
કબૂતરને આ વાત પસંદ ના પડી. તે બોલ્યું, ‘જુઓ વાંદરાભાઈ પોતાના મોંઢે પોતાની જાતને મોટો માનવો એ સારૂં ના લાગે.તમે સારૂં કાર્ય કરશો તો બધા તમને માન-સન્માન આપશે.
કબૂતરની વાત સાંભળીને વાંદરો ગુસ્સે થયો પરંતુ અન્ય પક્ષીઓ વચ્ચે પડતાં ઝઘડો આગળ ના ચાલ્યો.
બીજા દિવસે કબૂતર જ્યારે દાણા ચણીને આવ્યું ત્યારે એમનો માળો રફેદફે થઈ ગયેલો. બચ્ચાં બેહોશ થઈને પડયા હતા. કબૂતર સમજી ગયા કે જરૂર આ વાંદરાના પરાક્રમો છે.તેઓ ચુપચાપ ફરીથી પોતાનો માળો બનાવવા લાગ્યા.
સવાર પડતાં કબૂતરી પોતાના બચ્ચાંને માળામાં મૂકીને દાણા ચણવા નીકળી પડયા.
સાંજે જયારે તેઓ હારી થાકીને પાછા માળામાં આવ્યા ત્યારે એમને ખબર પડી કે વાંદરો આજે આખો દિવસ ઝાડ પર એક ડાળ સાથે ચોંટીને દર્દથી પીડાતો હતો પરંતુ કોઈપણ પક્ષી એની મદદે ના આવ્યું.
કબૂતરી બોલી, ‘સારૂં થયું, આ દુષ્ટને આવી જ સજા મળવી જાેઈએ. આજે એને ખબર પડે કે બીજાને સતાવવાથી શું થાય છે ? કબૂતર બોલ્યું તારે આવી વાત ના કરવી જાેઈએ. ભલે તે દુષ્ટ છે પણ છે તો આપણો પડોશીને.. આ સમયે તે મુસીબતમાં છે એટલે આપણે એની મદદ કરવી જાેઈએ.
આટલું બોલીને કબૂતર વાંદરા પાસે પહોંચ્યું ‘ભાઈ, શાની તને પીડા થાય છે ? શું થયું છે તને ?’ કબૂતર પ્રેમથી બોલ્યું.
કબૂતરની વાત સાંભળીને વાંદરાનું માથું શરમથી ઝુકી ગયું એને પોતાના કરેલા કાર્ય પર શરમ આવી.
તેણે દર્દભર્યા સ્વરે કહ્યું, ‘મારા પગમાં એક કાંટો ઘુસી ગયો છે એટલે દર્દ થઈ રહ્યું છે અને મારાથી ચાલી પણ શકાતું નથી.
કબૂતરે વાંદરાને પગને પોતાની સામે કરવાનું કહ્યું પછી ધીરે ધીરે કાંટાને પોતાની ચાંચ વડે ખેંચીને બહાર કાઢી નાખ્યો. કાંટો નીકળી જતા વાંદરાને રાહત થઈ પછી કબૂતરે જંગલમાંથી વનસ્પતિ લાવીને તેનો લેપ બનાવીને વાંદરાના પગે લગાવી દીધો. થોડીવાર પછી વાંદરો આરામથી સુઈ ગયો.
બીજા દીવસે વૃક્ષના બધા પક્ષીઓએ જાેયું તો વાંદરામાં ઘણું જ પરિવર્તન આવી ગયેલું.તોફાની ગુસ્સાથી ભરેલ વાંદરો શાંત અને મળતાવડા સ્વભાવનો થઈ ગયેલો. આ જાેઈને બધા પક્ષીઓ દંગ રહી ગયા. આજે વાંદરો બધાની સાથે હળી મળીને વાતો કરવા લાગ્યો.
વાંદરામાં આવેલા પરિવર્તનથી કબૂતર અને કબૂતરી ખુબ જ આનંદમાં આવી ગયા..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.