રાધનપુરમાં વરસાદી પાણીથી વાહનચાલકો-રાહદારીઓ ત્રાહિમામ

રાધનપુર : રાધનપુરમાં મહેસાણા હાઇવે ઉપર જૈન મંદિરની સામે,ગાયત્રી મંદિરની સામે તેમજ ભણસાલી ટ્રસ્ટ સામે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ના હોવાથી વરસાદ બંધ થયાને એક અઠવાડિયા કરતા વધુ સમય થઇ જવા છતાંય પાલિકા દ્વારા આ વરસાદી પાણીનો નિકાલ થતો ના હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
રાધનપુર-મહેસાણા હાઇવે વાહનોની આવન-જાવનથી ભરચક રહેતો રોડ ગણાય છે.કચ્છના કંડલા બંદરથી આંતરરાષ્ટ્રીય માલવહન કરતા ભારે વાહનો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે.દરરોજ આ રોડ ઉપરથી એક હજાર કરતા વધુ ભારે ટ્રકો-ટ્રેલરો,૧૦૦ થી વધુ એસ.ટી.બસો અને બે હજારથી વધુ નાના વાહનોની અવર-જવર રહેતી હોય છે.તાજેતરમાં પડેલા વરસાદને કારણે જૈન મંદિરની સામે,ગાયત્રી મંદિરની સામે તેમજ ભણસાલી ટ્રસ્ટ સામે વરસાદી પાણી ભરાઈ જવાથી અને તેમાં ભારે વાહનોની અવર-જવરથી મોટા-મોટા ખાડા પડી ગયા છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ખાડા પૂરવાની કામગીરી કરવાની તૈયારીઓ છે,પરંતુ પાલિકાના સત્તાધીશોને કઈ જ પડી નથી.જો ફાઈટર લગાવીને આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તો ખાડા ઝડપથી પુરી શકાય તેમ છે.એસ.ટી.બસો આ રસ્તા ઉપરથી નીકળે છે ત્યારે ખાડામાં પડતા જ હાલક-ડોલક થઇ જાય છે,જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટી જાય છે.પાલિકાએ તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.