સ્વ.ગલબાભાઈ પટેલે ખેડૂતો માટે કરેલા આંદોલન સામે પાલનપુરના નવાબને પણ ઝૂકવું પડ્‌યું હતું…!

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ખેડૂતોને અન્યાય ન થાય તેના માટે ખૂબ સજાગ રહેતા હતા. તેઓને ખેડૂત માટે અઢળક પ્રેમ હતો, ગમે તે સંજોગમાં ખેડૂતોનું સારું થાય તે માટે સફ્‌ળતાપૂર્વક પ્રયત્નો કરતા અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી સંઘર્ષ કરીને ખેડૂતોને ન્યાય અપાવતા હતાં. ગલબાભાઈ પટેલે ખેડૂતોના નામે કોઈ દિવસ સ્વાર્થભરી રાજનીતિ કરી ન હતી. પણ ખેડૂતોની આંતરડી ઠારી હતી, તેની વર્તમાન સમયમાં પણ અનેક વાતો સાંભળવા મળે છે.
આ વાત દેશ આઝાદ થયો ન હતો તે વેળાની છે. જ્યારે ઈ.સ. ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનનો નાદ સમગ્ર હિન્દુસ્તાનમાં ગૂંજી ઊઠ્‌યો હતો. મહાત્મા ગાંધીએ એક જ નિશ્ચય કર્યો હતો કે આઝાદી લઈને જ જપીશું. સમગ્ર હિન્દુસ્તાન આઝાદીના નારામાં રંગાઈ ચૂક્યું હતું. કેટલાક દેશી રજવાડાઓ પણ હિન્દુસ્તાનને  કાળી ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે તમામ પ્રકારે ત્યાગની ભાવના દેખાડી હતી. દેશમાં એક બાજુ અહિંસક આંદોલન થઈ રહ્યાં હતાં, જ્યારે બીજી બાજુ અંગ્રેજો દેશ પર દમનભરી શોષણ નીતિ અપનાવી રહ્યા હતા. તે વેળાએ પાલનપુર રાજ્ય આઝાદીની રોશની એક દિવસ દેશમાં ફેલાવશે તેવો દૃઢ આત્મવિશ્વાસ હતો. 
દેશ માટે સમય બદલાઈ રહ્યો હતો. બનાસકાંઠા પછાત વિસ્તારમાં પણ એ સમયે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જેવા તીવ્ર બુદ્ધિશાળી, ત્યાગની મૂર્તિ સ્વરૂપ લોકસેવક બનીને ખેડૂતોના કલ્યાણ માટે લડાઈ લડી રહ્યા હતા. તેનું ઉદાહરણ પાલનપુરના નવાબે કરેલી ભૂલ સામે ગલબાભાઈ પટેલે આંદોલન છેડ્‌યું હતું.
આખી ઘટના એવી છે કે પાલનપુરના નવાબે એ સમયે જીરા અને રોકડિયા પાક ઉપર ટેક્સ નાખ્યો હતો. તે ઘડી ખેડૂતો માટે કપરી હતી. જિલ્લામાં વારેઘડીએ દુષ્કાળનો સામનો કરવો પડતો હતો. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પર નવાબ સાહેબે નાખેલ ટેક્સની ભરપાઈ કરવા માટેની પરિસ્થિતિ ન હતી.
પાલનપુરના નવાબે જીરા અને રોકડિયા પાક ઉપર ટેક્સ નાખવાના લીધે સમગ્ર પંથકના ખેડૂતો ખળભળી ઊઠ્‌યા હતા. ખેડૂતોને એક સ્વાર્થહીન આગેવાનની જરૂર હતી. જગતનો તાત દુઃખી થાય તે ગલબાભાઈને સ્હેજે પોસાય તેમ ન હતું.
પાલનપુર વડગામના ખેડૂત આગેવાનો સેદ્રાણા મુકામે એકઠા થયા અને આ 
ખેડૂત-સંમેલન કાંઈ  જેવું- તેવું ન હતું. પરંતુ પાલનપુરના નવાબ સમક્ષ હતું. માત્ર ત્રણ ચોપડી ભણેલ ખેડૂત પુત્ર એવા ગલબાભાઈ પટેલ તેની આગેવાની કરી રહ્યા હતા.
આ ખેડૂત-સંમેલનમાં વિવિધ કોમોમાંથી ખેડૂત આગેવાનો આવ્યા હતા અને ખેડૂત આગેવાનો ગલબાભાઈ પટેલ સાથે ચર્ચા-વિચારણા કરતા હતાં. “એ સમયે પાલનપુરમાં ખંડણી (જમીન મહેસૂલ સિવાયનો વધારાનો કર), મલ્લવેરો (સરકારી અમલદારો ગામમાં આવે તેની સરભરા માટેનું ફંડ), કોરડીયો ભોર (નવાબ ઘોડાને ખવરાવવા માટે કોરડ-અનાજ જોઈએ, એ અનાજ નવાબ સાહેબને પહોંચતું કરવાની શરત પણ લાગું કરવામાં આવી હતી.) એક એવો પણ ટેક્સ ખેડૂતો પર નાખવામાં આવ્યો કે (હાથી કડબી) નવાબ સાહેબના હાથીઓ માટેની કડબરૂપેનો કર) મગ-બાફણું (મામલતદારક અને અન્ય અધિકારી સાહેબો માટે તેઓ ગામમાં આવે ત્યારે તેમની રસોઈ માટે લાકડાં પહોંચાડવાની ક્રિયા વગેરે વેરાઓ ચાલતા હતા.) પાલનપુરના નવાબના ટેક્સના લીધે ખેડૂતો ત્રાહિમામ્‌ પોકારી ગયા હતા. પરંતુ ગલબાભાઈ ખેડૂતોના વ્હારે આવ્યા હતા.
આખરે પાલનપુરના નવાબને ગલબાભાઈ પટેલના ખેડૂત-આંદોલન સામે ઝૂંકવું પડ્‌યું હતું અને નવાબ સાહેબ દ્વારા વેરાઓના સુધારા માટે એક એડવાઈઝરી બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગલબાભાઈ પટેલને બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
હવે ગલબાભાઈ  ખેડૂત નેતા બન્યા હતા. આખરે નવાબને જીરાનો ટેક્સ માફ કરવો પડ્‌યો અને ગલબાભાઈના આંદોલન સામે પાલનપુરના નવાબને ઝૂકવું પડ્‌યું હતું. તેઓની હિંમતભેર રજૂઆતના કારણે  ગલબાભાઈ પટેલની છાપ હવે ખેડૂત નેતા બન્યા પછી પ્રમાણિક વ્યક્તિ તરીકેની હતી. સાદા, સરળ અને મિતભાષી સ્વભાવના ગલબાભાઈ તો બધાને પ્રિય થઈ ગયા અને ખેડૂતોના લોકપ્રિય નેતા તરીકે ઉપસી આવ્યા હતા.
ગલબાભાઈ પટેલ હવે ખેડૂત નેતા બની ચૂક્યા હતા. એટલે ખેતી પર ધ્યાન ઓછું આપતા હતા પરંતુ લોકોનો હમદર્દ થઈને મદદરૂપ થતાં હતાં. ખેતીના કાર્ય તરફ એમના ધર્મપત્ની રાજીબાઈ પૂરતું ધ્યાન આપતા હતા. જાણે બન્ને  પતિ-પત્નીએ નક્કી કરી લીધું હતું કે ગલબાભાઈ દીન-દુઃખિઓની સેવા કરે અને રાજીબાઈ ખેતીનું કામકાજ સંભાળતા હતા.
ગલબાભાઈ પટેલના આંદોલનમાં કોઈ સ્વાર્થભરી રાજનીતિ ન હતી, પરંતુ ખેડૂતોનું કલ્યાણ  કરવા માટેની નીતિ હતી. જ્યાં દીન-દુઃખિયાના ઉદ્ધાર માટેની નીતિ હોય ત્યાં પવિત્રતાના ઝરણાં આપમેળે પ્રગટી ઊઠે છે. તે ગલબાભાઈના જીવન પરથી ખ્યાલ આવી શકે છે.
ગલબાભાઈ પટેલ ખેડૂતોના કેટલાક પ્રશ્નોનું  જાતે નિરાકરણ લાવતા હતા. ખેડૂતના કોઈ પ્રશ્નો હોય તો ઘટનાસ્થળ પર જઈને તેનું નિરાકરણ લાવતા એવા અનેક દાખલા જોવા મળે છે. એક એવો જ પ્રસંગ છેઃ
એક વખત જિલ્લામાં આઝાદી પછી ગામડાઓમાં વીજળી પહોંચાડવા માટે વીજળીકરણનું કામકાજ ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હતું. તે સમયે ગલબાભાઈ અકળાઈ ઊઠે અને આ મૂંઝવણભરી પરિસ્થિતિને વાચા આપે. પરંતુ ગલાબાભાઈ પટેલની તો નિમણૂક વીજળીબોર્ડના સભ્યપદે થઈ. તે વખતે એસ.ટી. રાજા વીજળી બોર્ડના અધ્યક્ષ હતા.
ગલબાભાઈ પટેલ એક વખત વીજળીબોર્ડના અધ્યક્ષ રાજા સાહેબને રૂબરૂ મળવા માટે ગયા. ત્યાં જઈને કહ્યું “રાજા સાહેબ, બોર્ડ વીજળી આપવા માટે તૈયાર છે.” 
“લોકો વીજળી લેવા તૈયાર છે”
“પછી આમાં અડચણ ક્યાં આવે છે?”
ગલબાભાઈ પટેલ ફરીથી બોલ્યા-  
“ગામડાંની માગણીઓનો નિકાલ વર્ષોના વર્ષો સુધી કેમ થતો નથી” 
ફરી થોડું અટકીને ગલબાભાઈ બોલ્યાઃ
“વેચનાર અને લેનાર બન્ને તલપાપડ છે છતાંય જૂઓને કંઈ કારણ સમજાય છે?”
ગલબાભાઈની રજૂઆતની તમામ વાતો વીજળી બોર્ડના અધ્યક્ષ શાંતચિત્તે સાંભળી  ત્યારે ખરેખર સ્થાનિક ઓફિસમાં કામ ઝડપભેર થવા માંડ્‌યું અને જિલ્લામાં ગામડાઓમાં પણ વીજળીકરણ થવા માંડ્‌યું હતું.
આમ, ગલબાભાઈ પટેલ ખેડૂતો માટે દરેક કામ નિષ્ઠાપૂર્વક કરતા હતા.
                                                                                                           

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.