ભાજપના ૧૦ ઉમેદવારના નામ જાહેર કરવામાં વિલંબ પાછળ આઇબી રિપોર્ટ કારણભૂત હોવાની ચર્ચા

ભાજપ દ્વારા ગુજરાતની ર૬ બેઠકમાંથી સુરેન્દ્રનગરની બેઠક બાદ કરતા મોટા ભાગે  સીટીંગ ઉમેદવારોને રીપીટ કરી તે નામો તાત્કાલિક જાહેર કરી પહેલ કરવાનો જશ લઇ ખોખારો ખાધો પરંતુ બાકીના ૧૦ ઉમેદવારો જાહેર કરવામાં જે વિલંબ થઇ રહયો છે તેની પાછળ સંઘના સર્વેની સાથોસાથ આઇબીના ગુપ્ત રિપોર્ટ પણ કારણભૂત હોવાનું ટોચના સુત્રો જણાવે છે. એમ કહેવાય છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખના હોમ સ્ટેટમાં એક પણ બેઠક ઓછી થાય તેવું કોઇ કાળે ઇચ્છનીય ન હોવાથી ભાજપ હાઇકમાન્ડ ખાસ કરીને નરેન્દ્રભાઇ અને અમીતભાઇ અંગત રસ લઇ તમામે તમામ બેઠકના પાસા તપાસી રહયા છે. કઇ બેઠકમાં કોનું નામ કાપવાથી કે કોને ટીકીટ આપવાથી ભડકો થાય તેમ છે? કોણ નારાજ થઇ કોંગ્રેસની કંઠી બાંધી લેશે? તેની ઝીણવટભરી માહીતી પક્ષના પોતાના વિશ્વાસુ વર્તુળો, સંઘ અને વિશેષ કરી આઇબીના ગુપ્ત રીપોર્ટને વિશેષ મહત્વ અપાઇ રહયું છે. જેમની ટીકીટ કપાઇ છે તેવા એક દાવેદારે પોતાના દાવાના સમર્થનમાં પણ આઇબીનો રિપોર્ટ તેમની ફેવરમાં હોવાનો જે આડકતરો ખાનગીમાં ઉલ્લેખ કર્યો છે તે જ દર્શાવે છે કે ઉમેદવારોની પસંદગીમાં કાચુ ન કપાય તે માટે ઉમેદવારોની તેમના સમર્થકોની કરમ કુંડળી તથા કાર્ય કુંડળીની ચકાસણીઓ થઇ રહી છે. અત્રે યાદ રહે કે આઇબી દ્વારા ઓફીશ્યલ રીતે આવી કામગીરી કરવાની હોતી નથી  પરંતુ અનઓફીશ્યલ આવી કામગીરી વર્ષોથી થતી હોય છે. ભાજપના જ વખતમાં આવી કામગીરી થાય છે અને કોંગ્રેસમાં આવી કામગીરી થતી ન હતી તે વાતમાં કોઇ દમ નથી.ભુતકાળમાં સ્વર્ગસ્થ ઇન્દીરા ગાંધી પણ આઇબી પાસેથી આવા રીપોર્ટો મેળવતા. જો કે સ્વ. ઇન્દીરાજીને રાજી રાખવા ગુલાબી ચિત્ર દોરેલ અને કોંગ્રેસને ભારે નુકશાન વેઠવું પડયું હતું. બીજી તરફ ગત ધારાસભાની ચુંટણી સમયે અમરેલી પંથકની તમામ બેઠકો ભારતીય જનતા પક્ષ ગુમાવશે તેવો સ્પષ્ટ રીપોર્ટ ભારતીય જનતા પક્ષને આઇબી દ્વારા હિંમતપુર્વક અપાયો હતો તેવું પણ જાણકારો કહે છે. સામાન્ય રીતે ઉમેદવારના નામો નક્કી થયા બાદ ગુજરાતની વાત કરીએ તો આઇબીના તમામ યુનીટો દ્વારા તેમના જુનીયર ઇન્ટેલીજન્સ ઓફીસરો દ્વારા પોતાના સોર્સ બંન્ને પક્ષના પાયાના કાર્યકરો, અનુભવી અખબારનવેશો પાસેથી મળેલી માહીતી તથા વિવિધ જ્ઞાતી અને સમાજમાં શું શું ચાલી રહયું છે? કયાં જાહેરમાં અને કયાં કયાં ખાનગી બેઠક થાય છે? તે બધી બાબતોનું સંકલન કરી આઇબી હેડ કવાર્ટર દ્વારા ગાંધીનગરને આવી માહીતી પહોંચતી કરાતી હોય છે. આ માટે ગાંધીનગરના ટોચના રાજકારણીઓ આઇબીમાં મહત્વના સ્થાને પોતાના અત્યંત વિશ્વાસુ અધિકારીઓનું પોષ્ટીંગ ચાલુ રખાવતા હોય છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.