શું આવી રીતે ભણશે ગુજરાત? : ભણતર સિવાયનાં કામોમાં વ્યસ્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓ

ગુજરાત
ગુજરાત

શરમજનક ! પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ પટાવાળા અને રસોઈયાઓનું કામ કરવા મજબુર : સરકાર હવે પ્રસુતિ કરાવવાનું શીખવાડી દે તો બધું જ કામ શિક્ષકોની જવાબદારીમાં આવી જાય : વ્યથિત શિક્ષકોનો આર્તનાદ

એસી ચેમ્બરમાં બેસતા સાહેબો શિક્ષણની દુર્દશા ક્યારે સુધારશો ?: બનાસકાંઠા સહીત રાજ્યભરમાં હાલ સરકાર દ્વારા ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ જે માસુમ ભૂલકાઓને શાળાઓમાં પ્રવેશ કરાવાય છે તે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. તેમનાં ભણતર અને ઘડતરમાં કચાશ રહી જશે તો કદાચ આવનાર પેઢી પણ આપણ સૌને માફ નહિ કરે. તેથી શાળા પ્રવેશનો ઉત્સવ મનાવવો જેટલો જરૂરી છે તેથી એ વિશેષ જરૂરી એ છે કે શાળામાં પ્રવેશ લેનાર બાળકોને ઉચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ મળે. પરંતુ અફસોસની વાત તો એ છે કે ગુજરાતમાં છેલ્લા 21 વર્ષોથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવોની ઢોલ પીટી પીટીને ઉજવણી કરાય છે પણ એ જ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભણતર સિવાયનાં બીજા વેઠિયા કામોમાં વ્યસ્ત રખાય છે, એટલું જ નહીં, ખુદ શિક્ષકોને પણ ભણતર સિવાયનાં જુદા જુદા સરકારી કામો કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. પરિણામે સરકારી શાળાઓમાં બાળકોનું ભણતર વધુને વધુ કથળવા લાગ્યું છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા  કરીએ તો, એક તરફ રાજ્યભરમાં સરકારી શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસોમાં વધુ 32 લાખ બાળકોને સરકારી આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રવેશ અપાવવા ખુદ સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર ગામે ગામ ફરી રહ્યું છે. એકલા બનાસકાંઠા જિલ્લામાં પણ વધુ 93 હજાર બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ કરાવવાનો છે. પરંતુ શિક્ષણ ક્ષેત્રનાં વિદ્વાનોનું માનીએ તો, જ્યાં સુધી સરકારી શાળાઓમાં શિક્ષકો અને બાળકોને શિક્ષણ સિવાયના જ કામોમાં વ્યસ્ત રાખવામાં આવશે ત્યાં સુધી શિક્ષણનું સ્તર સુધરશે નહિ અને જો યોગ્ય શિક્ષણ જ નાં મળતુ હોય તો પછી આવા પ્રવેશોત્સવો ઉજવવાનો કોઈ જ અર્થ રહેતો નથી.

સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો પાસે કરાવવામાં આવતા કામોની વિગત ?

1) સ્વયંશિસ્તનાં બહાને આખી શાળાની સફાઈ કરાવવી.

2) શિક્ષકો માટે બહારથી નાસ્તો, દૂધ જેવી સામગ્રી લાવી આપવી

3 ) શિક્ષકોનાં વાહનો ધોઈ આપવા

4) શાળામાં મહેમાનો માટે ચા બનાવવી

5 ) સરકારી કાર્યક્રમોમાં બાળકો પાસે ખુરશીઓ ગોઠવડાવવી

6 ) બાળકોનો જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપયોગ કરવો

7) શાળાનાં થનાર કાર્યક્રમોની પ્રેક્ટિસ માટે અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવા

શિક્ષકો પાસે કરાવવામાં આવતા બિન શૈક્ષણિક કાર્યો

1) સરકારી કાર્યક્રમો માટે ભીડ એકત્ર કરવામાં શિક્ષકોનો ઉપયોગ

2 ) તીડ ભગાડવા માટે શિક્ષકોનો ઉપયોગ

3) ચૂંટણીને લગતી કામગીરી

4 )  વરસાદ, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપતિમાં પણ શિક્ષકોનો ઉપયોગ

5 )  સરકારી યોજનાઓના સર્વે કામો માટે પણ શિક્ષકોનો ઉપયોગ

6 ) સરકારી કાર્યક્રમોમાં એન્કરિંગ અને કાર્યક્રમ સંચાલન માટે પણ શિક્ષકોનો ઉપયોગ

સરકારી પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરનારા ઘણા બાળકોને કેમ લખતાં- વાંચતા પણ નથી આવડતું ?: સરકાર  દર વર્ષે પ્રાથમિક- માધ્યમિક શાળાઓના ભણતર પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આટલો અધધ…ખર્ચ કર્યા બાદ પણ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની શાળાનાં બાળકોને યોગ્ય રીતે અક્ષર જ્ઞાન સુધ્ધા મળતું નથી. અનેક ગ્રામ્ય સરકારી શાળાઓમાં ધોરણ 8 અને 9 સુધી પહોંચી ગયેલા બાળકોને પણ સામાન્ય સરવાળા – બાદબાકી કે અંગ્રેજીમાં પોતાનું નામ લખતા પણ આવડતું નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવ કે ગુણોત્સવો કરે છે. તેમાં આ કડવી વાસ્તવિકતા સરકારી બાબુઓ કે પ્રજાના પ્રતિનિધિઓને કેમ નજરે આવતી નથી ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.