
શું અતીક અમદાવાદમાં જમીનના સોદા પર નજર રાખતો હતો?
અમદાવાદ, તાજેતરમાં ગેંગસ્ટરમાંથી રાજકીય નેતા બનેલા અતીક અહેમદની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે એવું લાગી રહ્યું છે કે તે પોતાની સાથે અનેક રહસ્યો કબરમાં લઈ ગયો છે. આ કેસમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા દરમિયાન પોલીસ બાતમીદાર દ્વારા મેળવેલા તેના મોબાઈલ ફોનનો શું ઉપયોગ કર્યો હતો. ઘટનાક્રમ સાથે સંકળાયેલા પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ગેંગસ્ટર અતીક અહેમદ અને બાતમીદાર અમદાવાદમાં જમીનના સોદા પર નજર રાખતા હતા. ત્યારે હવે પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. અતીક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જૂન ૨૦૧૯થી હતો. આ દરમિયાન તેણે વિવિધ નંબરોનો ઉપયોગ કર્યો હતો. તેને બાપુનગરમાં રહેતા અલ્તાફ પઠાણ દ્વારા મદદ કરવામાં આવી હતી. જે એક પોલીસનો બાતમીદાર હતો અને તેણે બે ચૂંટણી લડી હતી. જેમાં સિવિક બોડીની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. તેણેAIMIMઅને સપાની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, એવું એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
અતીક અહેમદને બાપુનગરમાં આવેલી ટેક્સટાઈલ મિલની જમીનમાં રસ હતો. તેથી તેણે અલ્તાફ પઠાણ અને એક વરિષ્ઠ નેતા સાથે જમીન ખરીદવા માટે શહેરના અન્ય રિયલ્ટી ડેવલપર્સ સાથે વાત કરી હતી, એવું અધિકારીએ ઉમેર્યુ હતુ. તેને જેલમાં કેવી સુવિધા મળતી હતી, એવું પૂછવામાં આવ્યું ત્યારે એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે, અતીક અહેમદનો વિશ્વાસુ મેહરાજ અતીકને સાબરમતી જેલમાં લાવ્યા એના દસ દિવસ પહેલાં અમદાવાદમાં આવ્યો હતો.
મેહરાજ જે બાદમાં એક અન્ય ગોળીબારમાં માર્યો ગયો હતો, તે કથિત રીતે સોનીની ચાલમાં એક પોલ્ટ્રી ફાર્મના માલિક સાથે રહ્યો હરતો. સૂત્રના જણાવ્યા મુજબ, અતીક અહેમદને સાબરમતી જેલમાં વિવિધ સુવિધાઓ મળે એ સુનિશ્ચિત કરવા માટે તેણે ઉચ્ચ સ્તરના પોલીસ અધિકારીઓ અને એક વરિષ્ઠ રાજકીય નેતાને વિવિધ ગિફ્ટ પણ આપી હતી. અલ્તાફ પઠાણે અતીકને એક મોબાઈલ ફોન પણ આપ્યો હતો, જેનો ઉપયોગ અતીકે માર્ચ સુધી કર્યો હતો. જ્યારે સત્તાધીશોએ ગુજરાતની જેલોમાં દરોડા પાડવાનું શરુ કર્યુ ત્યારે તેણે મોબાઈલ સગેવગે કરી દીધો હતો અને વાતચીતથી વંચિત થઈ ગયો હતો.
એવું માનવામાં આવી રહ્યું છે કે, અલ્તાફ પઠાણ જે એક વરિષ્ઠ પોલીસ અધિકારીનો વિશ્વાસુ હતો, અતીક અને અશરફની પ્રયાગરાજમાં ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી એ પહેલાં તે દુબઈ ફરાર થઈ ગયો હતો. જ્યાં યુપી પોલીસે તેનો બચાવ કર્યો હતો. અતીકના એક પૂર્વ સાગરીતે કહ્યું કે, અતીક અહેમદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાની વાત મૂકી હતી, કારણ કે તેણે એક વરિષ્ઠ રાજકીય નેતાને દબાણ કર્યુ હતુ કે, તેને બાપુનગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવા માટેની મંજૂરી આપવામાં આવે.