વડોદરા : કોરોનાથી એક મહિલાનું મોત, વધુ ૮ કેસ સાથે પોઝિટિવની સંખ્યા ૨૩૧ ઉપર પહોંચી
રખેવાળ, વડોદરા.
વડોદરા શહેરની દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષના મહિલા દર્દીનું આજે કોરોના વાઈરસથી મોત થયું છે. આ સાથે વડોદરા શહેર-જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૧૨ ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવની સંખ્યા ૨૩૧ ઉપર પહોંચી ગઇ છે. આજે નોંધાયેલા કેસોમાં નાગરવાડા, નરસિંહજીની પોળ, રોકડનાથ, કડવા શેરી અને નવાબવાડા વિસ્તારનો સમાવેશ થાય છે.
રિફાઇનરી (IOCL) ના કર્મચારીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીના સંપર્કમાં આવેલા રિફાઇનરીના ૧૬ કર્મચારીઓને ટેમ્પરેચર અને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ લોકોને બસ મારફતે બાબરીયા ઇન્સ્ટિટ્યુટમાં ક્વોરન્ટીન અને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.
વડોદરામાં આજે નોંધાયેલા કોરોના વાઈરસના ૮ પોઝિટિવ દર્દીઓના નામ
-પરીન રાકેશભાઇ ચોકસી (ઉ.૨૮), નરસિંહજીની પોળ, એમજી રોડ, માંડવી
-મુદાસ્સીર શોકતઅલી શેખ (ઉ.૪૫), રાવપુરા, નવાબવાડા
-દિનેશભાઇ બલવંતરાવ વાઘ (ઉ.૭૦), રોકડનાથ પોલીસચોકી, મરાઠી મહોલ્લા, નવાબજાર
-ફરજાનાબાનુ કાસીમખાન પઠાણ (ઉ.૪૦), સૈયદપુરા, નાગરવાડા
-રોશન ભગવાનદાસ પટેલ (ઉ.૪૫), કડવા શેરી, જ્યુબિલીબાગ પાસે
-ફરિદા અહમેદ હાલા (ઉ.૬૨), કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે, નાગરવાડા
-વાજીદ અહમેદ હાલા (ઉ.૪૧), કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે, નાગરવાડા
-શાહિદા નસરૂદ્દીન પઠાણ (ઉ.૫૫), ઇંડાવાલાની ગલી, નાગરવાડા
મહીસાગર જિલ્લાના સંતરામપુરના બ્રાહ્મણવાડા વિસ્તારમાં વધુ એક પુરુષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.