ગુજરાતના હવામાનમાં પલટો આવતા ઠેર-ઠેર કમોસમી વરસાદ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા ફરી એકવાર ઠંડક, ગરમી અને વરસાદી એમ ત્રણ ઋતુઓનો સંગમ જોવા મળી રહ્યો છે. વતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી અમદાવાદમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. સવારના વાતાવરણમાં ઠંડક પણ વધી હતી. જોકે, હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદ સાથે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં ધુમ્મસ છવાતા વાતાવરણ જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવું બન્યું હતું. અમદાવાદમાં સવારના સમયે ધુમ્મસવાળું વાતાવરણ સર્જાતા વિઝિબ્લિટીમાં પણ ઘટાડો થયો હતો.

શહેરના એસજી હાઈવે સહિતના બ્રિજ પરથી દુર રહેલી બિલ્ડિંગો ધુમ્મસના કારણે ધુંધળી નજરે પડી રહી હતી. અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. આજે તથા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના અમદાવાદ સહિત સાબરકાંઠા, અવલ્લી, આણંદ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે.

આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ કમોસમી વરસાદી ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અમદાવાદમાં આજની સાથે શનિવાર, રવિવાર અને સોમવારે પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી વાતાવરણ ઉભું થવાથી શહેરના તાપમાનમાં ઘટાડો થવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તારીખ ૧૮ અને ૧૯ની હવામાનની આગાહી પર નજર કરીએ તો રાજ્યના અમદાવાદ સહિત આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.

જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે એટલે કે ૨૦મી માર્ચે પણ અમદાવાદની સાથે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, સુરત, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને દીવ તથા કચ્છમાં વરસાદ થવાના આગહી કરવામાં આવી છે. ૧૭મીએ રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઘટીને ૩૫ ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી ૨ દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થયા પછી તેમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શકયતાઓ વ્યક્ત કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.