રાજયમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં બે રૂપિયાનો વધારો

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : સરકાર સંચાલિત ઓઈલ કંપનીઓએ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રાખ્યો હતો. પેટ્રોલના ભાવમાં ૪૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૫૯ પૈસાનો વધારો કરાયો છે. આ સતત ૯મો ભાવ વધારો છે. આ સાથે ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં રૂપિયા બેનો વધારો લાગુ કરતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈંધણના ભાવ ભડકે બળશે. અમદાવાદમાં સોમવારે પેટ્રોલનો ભાવ ૭૨.૦૧ રૂપિયા હતો તે વધીને હવે પંચોતેર સુધી પહોંચી જશે. જ્યારે ડીઝલનો ભાવ સોમવારે રૂપિયા ૭૦.૨૫ હતો તે વધીને ૭૩ની નજીક પહોંચી જશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સોમવાર મધરાત્રિથી રાજ્યમાં આ વધારો લાગુ થશે. કોરોનાની મહામારીને કારણે ગુજરાત સરકારની આવકમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડ સુધીનો ઘટાડો થઈ રહ્યો છે. નીતિન પટેલે એમ પણ કહ્યું કે, હાલ પૂરતો કર્મચારીઓના મોંઘવારી ભથ્યાંનો નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય સરકારે ખેડૂતોની લોન મુદ્દતમાં વધારો કર્યો છે. આ સાથે જ રાજ્ય સરકારે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકાનો કાપ મૂક્યો છે. ઓઈલ કંપનીઓએ રવિવારે પણ પેટ્રોલના ભાવમાં ૬૨ પૈસા અને ડીઝલના મુલ્યમાં ૬૪પૈસાનો વધારો કર્યો હતો. ગયા રવિવારથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરુ કર્યું હતું તે સળંગ નવમા દિવસ સુધી જારી રખાયું છે. આ પહેલાં લોકડાઉનના ગાળામાં અને તે પૂર્વે ૮૨ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓએ જારી કરેલા નવા વધારા પ્રમાણે દિલ્હીમાં હવેથી પેટ્રોલ લીટરે રૂપિયા ૭૫.૭૮ જ્યારે ડીઝલ રૂપિયા ૭૪.૦૩ના ભાવથી મળશે. ઓઈલ કંપનીઓ જૂન ૨૦૧૭થી દૈનિક આધારે ભાવની સમીક્ષા કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.