અમદાવાદમાં 1200 બેડની સિવિલમાં દર્દીને દાખલ કરવા ચાર કલાકનું વેઈટિંગ, નંબર આવે ત્યાં સુધી એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપવો પડે છે

ગુજરાત
ગુજરાત 80

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ગંભીર સ્થિતિ સામે આવી છે. શહેરની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 24 કલાક દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવે તે પહેલાં લાંબુ વેઈટિંગ હોવાના વીડિયો અવારનવાર સામે આવે છે. અહીં કોરોનાગ્રસ્ત દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સ 2 કલાક અને તેથી વધુ સમયથી વેઈટિંગમાં છે. તેની સાથે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો.

સૌથી મોટી કોરોના હોસ્પિટલ 1200 બેડમાં ગઈકાલે રાતથી આજ સવાર સુધી સતત એમ્બ્યુલન્સ ગેટ પાસે ઉભી હતી. જ્યાં આખી રાત અને અત્યાર સુધી દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. હવે હોસ્પિટલમાં સારવાર માટે વેઈટીંગ પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની બહાર પણ એમ્બ્યુલન્સ વેઈટીંગમાં છે. જ્યાં દર્દીનો વારો આવે ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. બીજી તરફ દર્દીનો નંબર ન આવે ત્યાં સુધી તેમને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવે છે. જ્યાં તેમને ઓક્સિજન આપવામાં આવે છે.

અમદાવાદમાં કોરોનાથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓની વધુ એક બેઠક યોજાઈ હતી. આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને રાહત કમિશ્નર હર્ષદ પટેલ સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ તિવારી પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. આ બેઠકમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી.મોદી, એડિશ્નર સુપ્રિડેન્ટેન્ડ ડો. રજનીશ પટેલ અને ડો. રાકેશ જોશી પણ હાજર હતાં. બેઠકમાં હાલની પરિસ્થિતિની ઉચ્ચ કક્ષાએ સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે સિવિલ સુપ્રિડેન્ટેન્ડ ડો. જે.વી મોદીએ કહ્યું હતું કે આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેમણે કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે ઓનલાઈન વાતચીત પણ કરી હતી.

શહેરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 1504 કેસ નોંધાયા હતા અને 19 દર્દીના મૃત્યુ થયા હતા. છેલ્લા 50 દિવસમાં કેસની સંખ્યામાં અધધ કહી શકાય તેવો 33 ગણો વધારો થયો છે. 50 દિવસ પહેલાં એટલે કે 20 ફેબ્રુઆરીએ માત્ર 45 કેસ હતા. જે આજે 33 ગણા વધી ગયા છે. મૃત્યુનો આંકડો પણ સતત વધવા સાથે 294 દિવસ પછી ફરી એકવાર 19 મોત નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધી કોરોનાના 79,258 કેસ આવ્યા છે. જેમાંથી લગભગ પાંચમા ભાગના એટલે કે 15,269 કેસ છેલ્લા 20 દિવસમાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.