
જૂનાગઢના ગડુ-ચોરવાડ રોડ પર રિક્ષા-ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત
જૂનાગઢના ગડુથી ચોરવાડ જતા રોડ પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ચોરવાડની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ધારાસભ્ય વિમલ ચૂડાસમા હાજર રહ્યાં હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગડુથી ચોરવાડ જતા રોડ પર બપોરે 12 વાગ્યાની આસપાસ પિયાગો રિક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. પિયાગો રિક્ષામાં 6થી સાત મુસાફરો સવાર હતા. જેમાંથી ત્રણના મોત નીપજ્યાં હતા. જ્યારે ચારને ઇજા પહોંચી હતી. અકસ્માત થયો હોવાની જાણ થતાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી.