
સ્ટેજ પર ન હતી કોઈ મહિલા, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને આવ્યો ગુસ્સો, કહ્યું આ યોગ્ય નથી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર મહિલાઓની ગેરહાજરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું છે કે હું એક મહિલા છું… કાર્યક્રમમાં એન્કરે મહિલાઓના સન્માનની વાત કરી હતી… પરંતુ સ્ટેજ પર કોઈ મહિલા નથી. આનંદીબેન પટેલે જણાવ્યું કે, તેમણે આયોજકોને કહ્યું કે તમે તમામ દાતાઓનું સન્માન કરો છો, પરંતુ મહિલાઓ હાજર નથી. આનંદીબેન પટેલે મહિલાઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં ગાયકવાડ સામ્રાજ્યના રાજા સર સયાજીરાવની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમના શાસન દરમિયાન મહિલા શિક્ષણ ફરજિયાત હતું.
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મેં પહેલા એક વાર કહ્યું હતું કે તમે જીવનમાં જે કંઈ કમાવ્યું છે. તેમાં તમારી માતા, બહેન અને પત્નીની ભાગીદારી છે અને સખત મહેનત છે. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે દાતાઓના સન્માન સમયે તેમના પરિવારની મહિલાઓ પણ હાજર રહી હોત તો મને ગમ્યું હોત. જ્યારે આનંદીબેન પટેલે આ વાતો કહી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સહિત અનેક નેતાઓ સ્ટેજ પર બેઠા હતા, પરંતુ મહિલાઓ હાજર ન હતી. ગુજરાતના પાટણમાં આયોજિત એક કાર્યક્રમમાં આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટ વતી પાટણના સુંદરમાં શ્રી ખોડલધામ સંકુલના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ સંકુલના નિર્માણ માટે દાન આપનારનું સન્માન કરવામાં આવનાર હતું.
એકમાત્ર મહિલા મુખ્યમંત્રી
ગુજરાતમાં લાંબા સમય સુધી મંત્રી રહેલા આનંદીબેન પટેલ ગુજરાતમાંથી એકમાત્ર મહિલા છે. જેમને રાજ્યની બાગડોર સંભાળવાનું ગૌરવ છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્યની કમાન આનંદીબેન પટેલને સોંપી. તેણીએ 2 વર્ષ અને 77 દિવસ સુધી રાજ્યના 13મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી, બાદમાં તેમણે પાટીદાર આંદોલન અને પછી ઉના દલિત ઘટના પછી તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.