
દેશના વડાપ્રધાન આગામી 2 ઓક્ટોબરે આવશે ગુજરાતના પ્રવાસે, 5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ તથા છોટા ઉદેપુરની મુલાકાત લેશે. અમદાવાદ સાબરમતી આશ્રમ તેમજ છોટા ઉદેપુરના બોડેલી ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણના કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતી હોવાના પગલે તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. તેમજ આશ્રમમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલ ચઢાવી તેમને નમન કરશે. આ સાથે જ અમદાવાદમાં એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ત્યારે માનવામાં આવી રહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની સમીક્ષા કરી શકે છે. બીજા જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો એક શિક્ષણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જો છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાવાનો છે. જેમાં તેઓ હાજરી આપવાના છે. બોડેલીમાં આ કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરવાના છે.
5 હજાર કરોડના આ શિક્ષણ કાર્યોમાં ગુજરાતમાં બનેલા નવા શાળા સંકુલ, ઓરડા,લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ કરવાના છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ શિક્ષણનો કાર્યક્રમ અન્ય કોઇ જિલ્લામાં પણ થઇ શકતો હતો. જો કે છોટા ઉદેપુર એક આદિવાસી વિસ્તાર છે અને રાજકીય રીતે આદિવાસી વિસ્તારનું ખૂબ મહત્વ રહેલુ છે. આ સાથે અનેક અન્ય મુદ્દાઓને લઇને છોટા ઉદેપુરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે.