રેશનિંગ જથ્થો સગેવગે કરનાર રેશનિંગ માફિયાઓની ‘ઓળખ’ તપાસનો મુખ્ય મુદ્દો

ગુજરાત
ગુજરાત 79

રખેવાળ ન્યુઝ, ડીસા : જિલ્લામાં દાયકાઓથી ચાલતું મસમોટું રેશનિંગ અનાજ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં આવેલ સરકારી માલ ગોડાઉનના મેનેજર સહિતના વ્યક્તિઓ દ્વારા ગત પહેલી ઓક્ટોબર ૨૦૨૦ થી ૧૨ ફેબ્યુઆરી ૨૦૨૧ દરમિયાન પોતાના આર્થિક ફાયદા માટે સરકારી માલ ગોડાઉનનો ઘઉં અને ચોખાનો જથ્થો સગેવગે કરી રૂ.૧.૯૧ કરોડની ઉચાપત કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ ટ્રાન્પોર્ટર તેમજ ગોડાઉન ઓડીટર સામે શંકા ઉપજાવી છે. જાેકે ફરિયાદ બાદ પણ મુખ્ય મુદ્દો વણઉકેલ્યો છે કે, અંદાજિત બે કરોડની કિંમતનો આ રેશનિંગ પુરવઠો ક્યાં પગ કરી ગયો.પાલનપુર પશ્ચિમ પોલીસમાં આ ફરિયાદ ભલે થઇ પણ અનાજ કોણ લઇ ગયું, ક્યાં વેચ્યું, કેવી રીતે સરકારી કબ્જામાંથી તે વાહનોમાં પહોંચ્યું તે મહત્વની તપાસ મુદ્દો બન્યો હોઈ આ કૌભાંડ અને તેની હાલની તપાસ પર અનેકો સવાલ ઉઠ્‌યા છે.

બનાસકાંઠા ના મુખ્યાલયમાં બિન્દાસ આચરાયેલા કરોડોના આ કૌભાંડની વિગતો જાેઈએ તો પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં આવેલ સરકારી અનાજના માલ ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચાડવામાં આવે છે. જેમાં ગુજરાત નાગરીક પુરવઠા નિગમની વિઝીલન્સ ગાંધીનગર ડીપાર્ટમેન્ટની ટીમ કનુભાઇ પટેલ અને ભુપેન્દ્રભાઇ રાવલ દ્વારા તપાસ કરવામાં આવતા જથ્થામાં અસામાન્ય ઘટ હોવાનું સામે આવ્યુ હતુ. આ તપાસમાં ગાંધીનગરની ટીમ સતત પાંચ દિવસ સુધી જાેતરાતા રેકર્ડ પર મસ મોટી અનાજની ઘટ આવતા વિજીલન્સ ટીમ પણ ચોકી ઉઠી હતી. ગાંધીનગર તપાસ ટીમનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને ફોરવર્ડ થતાં બનાસકાંઠા પુરવઠા અધિકારી એસ.જી.ચાવડાએ દાંતા મામલતદાર એ.ટી.રાઠોડ, અમીરગઢ મામલતદાર એસ.સી.ગોતીયા અને નાયબ જિલ્લા મેનેજર જતીન મોદી સાથે માલ ગોડાઉનમાં વધુ તપાસ કરવામાં આવી હતી. અને મેનેજર અને પંચોની હાજરીમાં તપાસ કરતા ઘઉંના જથ્થાના કટ્ટા નંગ ૧૨૭૭૬ અને ચોખાના કટ્ટા ૨૪૭૨નો તફાવત જાેવા મળ્યો હતો. આ મોટું કૌભાંડ હોઈ અને સરકારી અનાજનું ગબન થયેલ હોઈ આ બાબતે ગોડાઉન મેનેજર નાગજીભાઇ પી.રોતનું નિવેદન લેવામાં આવતા તેઓએ આ બાબતે કંઇ ન જાણતા હોવાનું જણાવ્યુ હતુ. જાેકે, ગોડાઉનમાં આવતા-જતા સરકારી અનાજના જથ્થાનું આજ મેનેજર દ્વારા રજીસ્ટર નિભાવવાનું હોય છે. પરંતુ તેમાં નિષ્કાળજી રાખી અન્ય વ્યક્તિઓના મેળાપીપણાથી પોતાના ફાયદા સારૂ સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો સગેવગે કરી છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રસિંહ ચાવડાએ ગોડાઉન મેનેજર નાગજીભાઇ રોત સામે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ ટ્રાન્સપોર્ટર અને ઓડીટર સામે શંકા વ્યક્ત કરી તપાસ દરમીયાન જે કોઇ નામો બહાર આવે તેમની સામે પણ કાર્યવાહી કરવા ફરિયાદ આપી હતી.જાેકે ગોદામ મેનેજરે કોના કહેવાથી કે કોના મેળાપીપણામાં આ અનાજનો જથ્થો સગેવગે કર્યો તે મોટી તપાસનો વિષય હોઈ, આ કૌભાંડમાં રેશનિંગ પુરવઠાનું કાળાબજાર કરતા અનેકોની સંડોવણીની શક્યતા જાેવાઈ રહી છે.

ગાંધીનગરના અન્ન અને નાગરીક પુરવઠા નિયામકના ૨૨-૧૨-૨૦૨૦ના પરીપત્રથી આપેલ સુચના મુજબ ઉચાપત કરેલ રકમથી બમણી કિંમત વસુલ કરવા જણાવવામાં આવ્યુ છે. આમ ઘઉંની બમણી કિંમત રૂ.૩,૧૯,૩૯,૪૩૦,૯૪ પૈસા તેમજ ચોખાની બમણી કિંમત રૂ.૩,૮૩,૬૭,૩૮૦,૫૪ પૈસા થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.