
પિતાની નજર સામે જ વાતો કરતો પુત્ર ઢળી પડયો
દમણ, રમતા રમતા, ડાંસ કરતા, યોગ કરતા મોત.. હવે તો વાત કરતા કરતા હાર્ટ એટેકથી મોતની ઘટના બની છે. સંઘ પ્રદેશ દમણમાં એક વ્યક્તિ પોતાના પિતા સાથે વાતો કરી રહ્યો હતો અને અચાનક ઢળી પડયો હતો. બાદમાં હોસ્પિટલ ખસેડતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વાતો કરતાં-કરતાં મોતની આખી ઘટનાCCTVમાં કેદ થઈ છે.દમમણના દેવકા તાઇવાડમાં રહેતા ૫૨ વર્ષીય દીપક ભંડારી નામનો હોટલ સંચાલક હોટલ બહાર જ પોતાના પિતા સાથે બાઈક પર બેસીને વાતો કરી રહ્યો હતો.
CCTVમાંજોઈ શકાય છે કે, હોટલના કંમાઉન્ડમાં જ ૫૨ વર્ષીય દીપક ભંડેરી બાઈક પર બેસી સામે પિતા સાથે વાતો કરી રહ્યો હતો અને અચાનક તે બાઈક પરથી ઢળી પડયો હતો. પિતા સામે જ પુત્ર આ રીતે ઢળી પડતા પિતાએ પણ દોડાદોડ કરી બુમો પાડી હતી. જે બાદ હોટલ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને દીપકભાઈને નજીકની મરવડ સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં હાજર તબીબોએ દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા. મૃતક દીપકભાઈના પિતાના મતે તેમનો પુત્ર સ્વસ્થ હતો. તેમને કોઈ તકલીફ નહોતી, રાજ્યમાં છેલ્લા બે મહિનામાં આવી ઘટનાઓ વધી રહી છે. જેમાં રમતા રમતા મોત, ડાન્સ કરતા, યોગ કરતા મોતના બનાવો બની રહ્યા છે.
૫૨ વર્ષીય અને શરીરે સ્વસ્થ હોટલ સંચાલકના અચાનક મૃત્યુથી હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો, મિત્ર વર્તુળ અને તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં છેલ્લા બે મહિનામાં આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હસતાં-રમતાં-ડાન્સ કરતા, પારિવારિક પ્રસંગમાં બેઠા-બેઠા જુવાનજોધ લોકોએ અચાનક જીવ ગુમાવી દીધો હોય આવી અનેક ઘટનાઓ એક પછી એક બની રહી છે. અસંખ્ય સવાલ ઊભા કરી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ વધતા સ્થિતિ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને રમત રમતા-રમતા યુવકોને એટેક આવવાના કિસ્સા વધ્યા છે. રમતા-રમતા યુવકોનું મોત થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા-રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને આ ઘટનામાં ૪૫ વર્ષીય મયૂર મકવાણા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
રાજ્યમાં ૨ મહિના જેટલા દિવસમાં રમતા રમતા મોતની આ ૮મી ઘટના સામે આવી હતી, ત્યારે યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે, અગાઉ એક યુવકનું નાચતા-નાચતા મોત નીપજ્યું હતું. પંચમહાલ જિલ્લાના રજાયતા ગામે વરરાજાને ડીજેના તાલે નચાવતા મિત્રને એટેક આવ્યો હતો. વરરાજાને નચાવતા યુવકને ચક્કર આવતા ઢળી પડયો હતો, જેને હોસ્પિટલ લઈ જવાય તે પહેલા જ મોતને ભેટયો હતો. હવે વાત કરતા-કરતા એક યુવક મોતને ભેટયો છે, જે ઘટનાCCTVમાં કેદ થઈ છે.