હડતાલ : અમને સરકાર ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો છે, 20 ટકા નહી 40 ટકા સ્ટાઇપેન્ડ આપો
કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાલ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર હડતાલ પર ઊતરવાની તૈયારીમાં છે. આ વખતે રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડ મામલે સોમવારથી હડતાલ પર ઊતરશે. આ હડતાલ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહેશે. તેઓ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે, દર ત્રણ વર્ષે સ્ટાઈપેન્ડ વધારવાનું હોય છે પણ હવેથી 5 વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે.
જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. તેમજ સ્ટાઇપેન્ડ પણ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું છે. જેથી અમે આવતીકાલથી હડતાલ પર ઉતરીએ છીએ. આ અંગે JDA(જુનિયર્સ ડોક્ટર્સ એસોસિએશન)ના વાઇસ પ્રેસિડેન્ટ શશાંક આશરાએ જણાવ્યું હતું કે, સ્ટાઇપેન્ડમાં દર 3 વર્ષે વધારો થતો હોય છે જેથી અમને 1 એપ્રિલ 2024થી લાભ મળવાનો હતો પરંતુ અમને ઓગસ્ટમાં લાભ મળ્યો છે. 2009થી એમને 40 ટકા વધારો મળતો હતો તેની જગ્યાએ હવે 20 ટકા જ વધારો આપવામાં આવ્યો છે.
હવે સ્ટાઈપેન્ડમાં વધારો 3 વર્ષની જગ્યાએ 5 વર્ષે થશે. જેથી અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ માટે હડતાળ પર ઉતરીશું. અમે આ અંગે સરકારમાં 25 વખત રજૂઆત કરી છે .પરંતુ સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી. અમે પણ નથી ઈચ્છતા કે ઇમરજન્સી બંધ રાખીએ અને દર્દીઓ હેરાન થાય પરંતુ અમારી માંગણી ઘણા સમયથી પૂરી થતી નથી જેના કારણે અમે વિરોધ કરીએ છીએ.