
રાજ્ય સરકારે તલાટીની પરીક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 7મી મેના રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે.જેમાં અંદાજે 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા જોવા મળી રહી છે.ત્યારે ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવરજવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં પરીક્ષાનાં દિવસોમાં શાળા-કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં 6 મે તથા 7 મેના રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.જેના અંતર્ગત શાળા-કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકશે.આ સાથે રેલ્વે તંત્રની સાથે સંકલનમાં રહીને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી ઉમેદવારોને સમયસર પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવી રહ્યું છે.