શ્રાદ્ધ પક્ષ શરૂ : ભાદરવાની પૂર્ણિમાથી અમાવાસ સુધી ૧૬ દિવસ શ્રાદ્ધ
શ્રાદ્ધ પક્ષ શરૂ : ભાદરવાની પૂર્ણિમાથી અમાવાસ સુધી ૧૬ દિવસ શ્રાદ્ધ પક્ષ ગણવામાં આવે છે
પરંપરા : હિન્દુ સંસ્કૃતિમાં પૂર્વજોને ખુશ રાખવા ભાદરવામાં મૃતકની વદતિથિએ શ્રાદ્ધ નંખાય છે
કાગડાઓને પણ પૂરા માનપાનની પખવાડિક મૌસમ શરૂ થઈ
આપણા હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ ભાદરવા મહિનાના ૧૬ દિવસ ને શ્રાદ્ધ પક્ષ ગણવામાં આવતા હોય છે જેમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ભાદરવા સુદ પૂર્ણિમાથી અમાવાસ સુધીના દિવસોમાં શ્રાદ્ધ તર્પણ કરવામાં આવતુ હોય છે જેને લઇ હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ તરીકે આ દિવસો ગણવામાં આવે છે. આ બાબતે શાસ્ત્રીઓના જણાવવા પ્રમાણે આ દિવસોમાં પૂર્વજોને યાદ કરી તેમની આત્માને શાંતિ માટે પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મ વગેરે કરી શકાય છે જેથી આ દિવસોમાં પૂર્વજોના આશીર્વાદ મળે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરાય છે. આપણા વિસ્તારમાં આ દિવસો દરમિયાન કાગવાસ નાખવાનું પણ જોવા મળે છે. પૂર્વજોની તિથિ પ્રમાણે લોકો પરંપરાગત રીતે દૂધપાક પુરી વગેરે નો કાગવાસ કરતા હોય છે જેથી આ દિવસો દરમિયાન ધરના આંગણે કા.. કા.. કરતા કાગડાઓ શુભ માનવામાં આવે છે.
શ્રાદ્ધપક્ષમાં શુભ કાર્ય વર્જિત મનાય છે…!: શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ સુધી લોકો શુભ કાર્ય કરવાનું ટાળતા હોય છે જેને લઇ ૧૬ દિવસો સુધી શુભ કાર્યો પર પણ બ્રેક લાગી જતી હોય છે ત્યારે શ્રાદ્ધપક્ષ શરૂ થાય તે પહેલાં લોકો શુભકાર્યો આટોપી લેતા હોય છે.
દિન પ્રતિદિન કાગડાઓની ઘટતી જતી સંખ્યા ચિંતાજનક: ઘર આંગણાનું ગણાતું કાગડો પક્ષીની સંખ્યા ધીરે-ધીરે દિન ઘટતી જોવા મળી રહી છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કાગડાનું ખૂબ જ મહત્વ વધી જતું હોય છે પરંતુ દિન-પ્રતિદિન ઘટતી જતી સંખ્યા પણ ચિંતાજનક છે.
શ્રાદ્ધપક્ષ પૂર્ણ થતાની સાથે જ નવરાત્રિ શરૂ થાય છે: શ્રાદ્ધપક્ષનો અંતિમ દિવસ અમાવસ્યા ગણવામાં આવે છે જે સર્વ પિતૃ અમાવાસ તરીકે ઓળખાય છે ત્યારબાદ આસો નવરાત્રિ શરૂ થતા શુભ કાર્યો પણ શરૂ થઈ જાય છે