
સોમનાથના દર્શને આવતા ભક્તો મહાદેવને પાઘ ચડાવી શકશે
ગુજરાતમાં આવેલા સોમનાથ મહાદેવને ભક્તો આગામી સમયથી પાઘ ચડાવી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પાઘ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પૂજામાં મહાદેવને પ્રથમ પાઘ સોમનાથ મંદિરના અધિકારી અને કર્મચારીઓએ પૂજન કરી મંદિર પરિસરમાં વાજતે ગાજતે પાલખીયાત્રા કાઢીને ચડાવી હતી.આ પાઘ પૂજા ચડાવવા ઈચ્છતા ભાવિકોએ ત્રણ દિવસ અગાઉ સોમનાથ ટ્રસ્ટમાં નોંધણી કરાવવી પડશે.જેથી ટ્રસ્ટ દ્વારા પાઘ તૈયાર કરાવડાવીને ભાવિકના હસ્તે પુજાવીધી કરાવ્યા બાદ મહાદેવના શણગારમાં પાઘનો ઉપયોગ કરવામાં આવશે.આમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પ્રતિવર્ષ કરોડો ભાવિકો આવે છે.ત્યારે ભક્તો વિવિધ રીતે મહાદેવની પૂજા-અર્ચના કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે.ત્યારે ભાવિકો માટે શરૂ કરવામાં આવેલા પાઘ પૂજા અંગે ટ્રસ્ટના જી.એમએ જણાવ્યું છે કે હવેથી શિવભકતો સોમનાથ મહાદેવને વિધિવત પુજન સાથે પાઘ અર્પણ કરીને યશ સાથે કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજાનો લાભ લઈ શકે તે માટે પાઘ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પૂજા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાડી અને ધોતીના કાપડમાંથી પાઘ તૈયાર કરાવી ભાવિકોને આપશે.જે પાઘનું મંદિરમાં પૂજારીઓ દ્વારા ભક્તોના હસ્તે પૂજન કરાવ્યા બાદ મહાદેવને અર્પણ કરાશે.ત્યારપછી પાઘનો સોમનાથ મહાદેવના દરરોજ કરવામાં આવતા શણગારમાં ઉપયોગ કરાશે.જેમાં મહાદેવને શણગારમાં અર્પણ કરવામાં આવેલા પાઘના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપા પ્રસાદ બની જઈ આશીર્વાદરૂપી પોતાની પાસે રાખવા માટે ભાવિકો પાઘ બનાવવામાં ઉપયોગ કરાયેલા વસ્ત્રોને વસ્ત્ર પ્રસાદ રૂપે મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ પાઘ પૂજાનો લાભ લેવા ઈચ્છતા ભાવિકોએ રૂ.11 હજાર ભરીને ત્રણ દિવસ અગાઉ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નોંધાવવું પડશે અથવા ટ્રસ્ટની વેબસાઈટ ઉપર ઓનલાઈન પુજાવિધી તરીકે નોંધાવી શકશે.