
ઉનાળામાં ચોમાસાની ઋતુ જેવા દ્રશ્યો, ક્યાંક ઉડી ધૂળની ડમરીઓ, ક્યાંક પડ્યો વરસાદ
ઉનાળાની ઋતુમાં જ્યા ગરમીથી લોકો કંટાળી જતા હોય છે ત્યારે રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદે સમગ્ર રાજ્યમાં એક એવા દ્રશ્યોનું નિર્માણ કર્યું છે કે જે આ પહેલા તમે જોયું નહીં હોય. જીહા, રાજ્યભરમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી કરા પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. શુક્રવાર સાંજના સમયે અમદાવાદ, ગાંધીનગરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારબાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
ઉનાળાની ઋતુમાં ચોમાસાનો અહેસાસ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે ખેતીના પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. લોકોને ઉનાળાની ઋતુમાં ચોમાસા ચાલી રહ્યું હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. જેની પાછળનું કારણ રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સક્રિય થયેલું સાઈકલોનિક સરક્યુલેશન જે ઉત્તર ગુજરાત સરહદી વિસ્તાર સુધી પહોંચ્યું છે તે કહેવાય છે. જેના કારણે શનિવાર સાંજના સમયે રાજ્યભરમાં ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક પવનની ગતિ 15થી 20 કિલોમીટરની થઇ હતી. ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.
રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં 72 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ભુજમાં 2 ઈંચ જેટલો પડ્યો છે. ઉપરાંત રાજ્યના 5 એવા તાલુકા છે કે જ્યા 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની માનીએ તો 22 માર્ચ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. આજે રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમા અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન વાવણી કરેલા ઘઉંના પાક તૈયાર હતો અને લણણી કરવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ઘઉંના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. કેટલાક ખેડૂતોએ ઘઉંના પાકની કાપણી કરી હતી તો કેટલાક ખેડૂતોએ લણણી કરી લીધી હતી પરંતુ લણણી કરેલા પાકમાં પશુઓ નો ઘાસ ચારો પણ નષ્ટતા ના આરે છે.
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેતી અને બાગાયતી પાકોને કર્યું નુકસાન
સમગ્ર રાજ્ય સાથે જૂનાગઢ જીલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી હતી. અહીં કમોસમી વરસાદ પડતાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થવા પામ્યું છે. કમોસમી વરસાદના કારણે જૂનાગઢના વંથલી કેશોદ અને વિસાવદર તાલુકામાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં એક તરફ બેવડી ઋતુના અનુભવ સાથે કમોસમી વરસાદ પણ પડ્યો હતો જેને લઈને ઘઉ, ચણા, ધાણા સહિતના ખેતી પાકો તથા કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકોને નુકસાની થવા પામ્યું હતું.
પથ્થર જેવા કરા પડ્યા
નળસરવોર આસપાસના ગામોમા કુદરત જાણે રૂઠી હોય તેવા દ્રશ્યો નજરે ચઢ્યા હતા. અહીં માવઠાના ભારે વરસાદથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદની સાથે પથ્થર જેવા કરા પડ્યા હતા. ભારે વરસાદ પવન અને કરા પડવાના કારણે ઘઉનો ઉભો પાક ખરાબ થઇ ગયો હતો. હજારો વિધામાં ખેડૂતોના ઘઉનો પાક ખરાબ થયો હતો.
અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી
રાજ્યમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચમાં ફરી એકનાર વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.