કેન્દ્ર સરકારનું ખુરશી બચાવો, મોંઘવારી વધારો બજેટ : કોંગ્રેસ નેતા અમીત ચાવડા
ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્ર સરકારના બજેટ-૨૦૨૪ પર પ્રતિક્રિયા આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટ રજુ કરવામાં આવ્યું છે. સમગ્ર બજેટ સાંભળ્યા, જોયા પછી એવું ચોક્કસ લાગે છે કે, આ બજેટ દેશના લોકો માટે નહિ, લોકોને રાહત આપવા માટે નહિ પણ સરકાર બચાવો બજેટ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ કેન્દ્ર સરકારનું બજેટ દેશ માટે નહિ પણ બિહાર અને આંધપ્રદેશ માટે હોય એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે.
આ બજેટમાં બિહારના નીતીશકુમાર અને આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુનો ખૌફ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ બજેટ દેશની ચિંતા કરવા કરતા પોતાની ખુરશી બચાવવાની ચિંતા કરતા હોય તેવું દેખાઈ આવે છે. ગુજરાતી વડાપ્રધાન હોય અને દેશનું બજેટ રજુ થતું હોય ત્યારે ગુજરાતીઓને ચોક્કસ આશા હોય કે કંઈક નવું મળશે પણ આખું બજેટ જોતા ગુજરાતમાં માટે કોઈ સ્પેશીયલ પેકેજ કે જાહેરાત જોવા મળી નથી. એના કારણે સમગ્ર ગુજરાતના લોકો નિરાશ થયા છે.
ખેત ઉત્પાદન વધારવાની વાત કરવામાં આવી પણ બજેટમાં એમોનિયમ નાઈટ્રેટની આયાત ડ્યુટી પર ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એનાથી સ્પષ્ટ થાય છે કે રસાયણિક ખાતરો અને રસાયણિક જંતુનાશકોની કિંમત ઉપર વધારો થવાનો, એક બાજુ ઉત્પાદન વધારે કરવાની વાતો કરવાની અને બીજી તરફ ખેતી મોંઘી કરવાની તેમ બે મોંઢાવાળી વાત આ સરકારના બજેટમાં જોવા મળી.
GST થી નાના વેપારીઓ પરેશાન છે, રોજબરોજ હેરાન થાય છે, છતાં વર્ષોથી માંગણીઓ કરે છે કે GST કાયદાની જોગવાઈઓમાં સરળીકરણ થાય અને નાના વેપારીઓને આર્થિક મદદ મળે પણ આ બજેટમાં એવું ક્યાય જોવા મળ્યું નથી કે GST થી સરળીકરણ કે નાના વેપારીઓને ફાયદો થયો હોય.
દેશના લાખો કર્મચારીઓ OPS માટે સતત લડી રહ્યા છે, સતત રજુઆતો કરી રહ્યા છે પણ આ બજેટમાં કર્મચારીઓના OPS માટે એક શબ્દનો પણ ઉલ્લેખ થયો નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બજેટમાં ખેડૂતો, નાના વેપારીઓ, બેરોજગાર યુવાનો કે દેશના સામાન્ય જન માટે કોઈ વાત રજુ કરવામાં આવી નથી. સામાન્ય લોકોના માટે નિરાશાજનક બજેટ છે. ગુજરાતી વડાપ્રધાન હોવા છતાં ગુજરાતને આ બજેટમાં ખુબ અન્યાય અને અનદેખી કરવામાં આવી છે એટલે કે ગુજરાતીઓ માટે આ બજેટ નિરાશાજનક બજેટ છે એવું ચોક્કસ કહી શકાય. આ બજેટ “સરકાર બચાવો અને મોંઘવારી વધારો” એ બાબતનું બજેટ છે.