
આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે, પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આવતીકાલે પણ ઠંડીમાં ઠુંઠવાશે. આજે અમદાવાદમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું.
ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 5.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. 3 દિવસમાં જ નલિયામાં લઘુતમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે.અમદાવાદ, ભાવનગર, નલિયામાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે..
ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 3 દિવસમાં ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે..અમદાવાદમાં આગામી 3 દિવસ 7થી 9 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25 જાન્યુઆરી સુધી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.