સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો દ્વારકામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ

ગુજરાત
ગુજરાત

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ, આટકોટ, ધોરાજી, અમરેલી, જૂનાગઢ, જામનગર અને દ્વારકા સહિતના શહેરોમાં વરસાદ શરૂ થયો છે. દ્વારકામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. દ્વારકાની બજારોમાં પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

જૂનાગઢ પંથકમાં વહેલી સવારે 6 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જુનાગઢમાં 1 ઈંચ, કેશોદમાં 22 મિમિ અને મેંદરડામાં 20 મિમિ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.

આટકોટમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા.

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ પડતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદથી કપાસ, મગફળી, તલ, મગ, મઠ, અડદ, મકાઈ સહિતના પાકને નવું જીવન મળ્યું છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી ચોમાસુ પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.