
જળાશયો છલકયા ખેડૂતો હરખાયા! રાજ્યના 87 જળાશયો હાઈએલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજે મેઘતાંડવ શરુ કર્યો છે ત્યારે રાજ્યના 100 તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હજુ 4 દિવસ ભારેથી અતિભાગે વરસાદની આગાહી છે. રાજ્યમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો ખડકાઈ છે. પંચમહાલ અને ગોધરા શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે. રાજ્યમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજ્યના 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 6.16 લાખ ક્યુસેક અને જાવક 5.94 લાખ ક્યુસેક છે. ધીરેધીરે પૂરની સ્થિતિ ઓસરી રહી છે. હાલમાં સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3 મીટર સુધી ખુલ્લા છે.
સરદાર સરોવર ડેમ સંપૂર્ણ છલકાયો છે. રવિવારે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મુકાયા છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. 26 જળાશયો એલર્ટ ઉપર મુકાયા છે, જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણી છે, 22 જળાશયોમાં વોર્નિંગ અપાઈ છે, અહીં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. 71 જળાશયોમાં કોઈ સિગ્નલ નથી, અહીં સંગ્રહ ક્ષમતાના 70 ટકાથી ઓછું પાણી સંગ્રહાયેલું છે.