અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મંદિરની તૈયારીઓ શરૂ

ગુજરાત
ગુજરાત

સીએમ રૂપાણીએ કહ્યું, યોગ્ય સમયે નિર્ણય લઈશું

ગુજરાતમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે. ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. મંદિર તરફથી રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવશે. એ ઉપરાંત સરકાર તરફથી જે રીતે મંજૂરી અપાશે એવી રીતે રથયાત્રા કાઢવા મંદિર તરફથી તૈયારી દર્શાવાઈ છે. જ્યારે બીજી બાજુ મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે રથયાત્રા માટે યોગ્ય સમયે નિર્ણય લઈશું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજે સવારે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે વેક્સિનેશન કેમ્પના ઉદઘાટન બાદ સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં. દર્શન કર્યાં બાદ સેક્ટર 1 જેસીપી રાજેન્દ્ર અસારી, ડીસીપી ઝોન 3 મકરંદ ચૌહાણ , એસીપી અને પીઆઇ સાજીદ બલોચે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ચર્ચાવિચારણા કરી હતી. પોલીસ કમિશનરની વીડિયો-કોન્ફરન્સ બાદ આજે જેસીપીએ મુલાકાત લેતાં હવે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ખલાસી ભાઈઓએ પણ મીટિંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.