રાજ્યની 10 લાખથી વધુ મહિલાઓને વ્યવસાય, ગૃહ ઉદ્યોગ શરૂ કરવા 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન મળશે

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ-બહેનોને 0 ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ લીડ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે (17 સપ્ટેમ્બરે) મુખ્યમંત્રી વિજય રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ-માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે. રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.

કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે. જેમા બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફી આપવામાં આવશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં આ યોજનામાં જોડાવા અંગેના એમ.ઓ.યુ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન-ધિરાણ તેમજ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનનો મુખ્યમંત્રીનો ધ્યેય સાકાર થશે.

મુખ્યમંત્રીએ રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે. સાથે જ ગ્રામીણ વિસ્તારોના 50 હજાર અને શહેરી ક્ષેત્રના 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ છે. ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાશે.

શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન અમલીકરણ કરશે. રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતાના સ્વમાન ભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદીપક બનશે. તેમજ શ્વેતક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારી શકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.