અમદાવાદના ચાંગોદરમાં વરસાદે હાલ કર્યા બેહાલ વરસાદના લીધે ચાંગોદરમાં દુકાનોમાં ફરી વળ્યા પાણી
અમદાવાદમાં શુક્રવારે રાત્રે થયેલા ભારે વરસાદની અસર સવારે પણ જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા વરસાદમાં પૂર્વ વિસ્તારમાં કેટલાક વિસ્તારો સવારે પણ જળબંબાકાર રહ્યા હતા. આવામાં ચાંગોદર વિસ્તારમાં લોકોના ઘરોમાં તથા દુકાનોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. ચાંગોદરામાં સવારના સમયે પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. અમદાવાદમાં આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના ગાળામાં ૪-૬ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
અમદાવાદ જિલ્લામાં આવતા વિસ્તારોમાં પણ વરસાદ બાદ કપરી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ચાંગોદરમાં ભારે વરસાદ બાદ લોકોએ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જ્યારે સવારે દુકાનો પર પહોંચ્યા ત્યારે તેમને આંચકો લાગ્યો હતો, કારણ કે રસ્તા પર ઘૂંટણ ડૂબે એટલા પાણી ભરાયા હતા ત્યારે દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા. આવામાં લોકોએ થઈ શકે તેટલો દુકાનોનો સામાન સુરક્ષિત કરીને પાણી બહાર કાઢવાના પ્રયાસો શરુ કર્યા હતા. વરસાદ ગયા બાદ પાણી ઓસરી રહ્યા છે પરંતુ શહેરના ઘણાં ભાગોમાં હજુ પણ ઠેરઠેર રસ્તાઓ પર વરસાદી પાણી જોવા મળી રહ્યું છે.
શહેર વિસ્તારમાં રાત્રે પાણી ભરાતા ઘણાં ભાગોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અમારા સંવાદદાતા વિભૂ પટેલ ચાંગોદર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમણે અહીંનો ચિતાર જણાવ્યો હતો. ચાંગોદર વિસ્તારમાં ભારે વરસાદ બાદ દુકાનદારો સવારે દુકાન ખોલવી કે નહીં તેની અસમંજસમાં હતા પરંતુ જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે કપરી પરિસ્થિતિના દર્શન કર્યા હતા. ઘણીં દુકાનોમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. ચાંગોદરામાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ફરી વળવાની ઘટના બની છે. દુકાનોની સાથે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો સુધી પાણી ફરી વળવાની ઘટના બની છે.
જે દુકાનો રોડ પર આવેલી છે તેને વધુ અસર થઈ છે, કારણ અહીંથી સવારે ટ્રેક સહિતના મોટા વાહનો પસાર થવાથી દુકાનોમાંથી પાણી કાઢયા બાદ પણ સતત પાણી ઘૂસી રહ્યા છે. મોટા વાહનના ટાયર ડૂબી જાય તેટલા વરસાદી પાણી આ વિસ્તારમાં સવારે ભરેલા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ ચાંગોદર જીઆઈડીસી વિસ્તારમાં ભરાયેલા વરસાદના પાણીની સમસ્યા અંગે વાત કરતા જણાવ્યું કે, આવી સ્થિતિ અહીં દર વર્ષે થતી હોય છે પરંતુ આ વર્ષે વધુ કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. દુકાનદારોએ જણાવ્યું કે આ અંગે અંગે સ્થાનિક વહીવટી તંત્રને બને તેટલો જલદી નિકાલ લાવવા માટે રજૂઆત કરીશું.