ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ, હજુ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે
સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ઝાપટાંથી લઇને હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં હજુ 48 કલાક સુધી માવઠું યથાવત રહેશે. હવામાન વિભાગ મુજબ, આ બાદ પવનની દિશા બદલાતા કમોસમી વરસાદથી છૂટકારો મળશે. જોકે વરસાદ જતા જ ફરી એકવાર રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. ગઈકાલથી આજે સવાર સુધીમાં રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના 13 જિલ્લાઓના 31 તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. જેમાં વેરાવળમાં સૌથી વધુ 7 એમ.એમ જ્યારે સુત્રાપાડા અને વડાલીમાં 5-5 એમ.એમ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ મુજબ, આગામી 48 કલાક બાદ રાજ્યભરમાં પવનની દિશા બદલાતા માવઠાથી રાહત મળશે. પરંતુ આ સાથે જ ઠંડી વધશે. જેના પરિણામે લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે.