
રાજ્યમાં 24 કલાકમાં 248 તાલુકામાં વરસાદે બોલાવી ધબધબાટી, વિસાવદરમાં ખાબક્યો સૌથી વધુ 12 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ જામ્યો છે. જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મેદરડા, રાધનપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. બેચરાજી અને ભાભરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન 124 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12.08 ઇંચ, મેંદરડામાં 7.76 ઇંચ, રાધનપુરમાં 7.6 ઇંચ, બેચરાજીમાં 6.88 ઇંચ, ભાભરામાં 6.84 ઇંચ, મહેસાણામાં 6.56 ઇંચ, વંથલીમાં 5.92 ઇંચ, ડીસામાં 4.44 ઇંચ, અમરેલીના બગસરામાં 4.2 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4.2 ઇંચ, કચ્છના રાજપરમાં 4.08 ઇંચ વરસાદ ખાબક્યો છે.
બીજી બાજુ, આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાનમાં બનેલી સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે સોમવારે આગાહી કરતા જણાવ્યું છે કે, હજી પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે ક્યાં ક્યાં વરસાદ થશે તે જાણીએ. હવામાન વિભાગન વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, આજે પાટણ, મોરબીમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. જયારે બનાસકાંઠા, દ્વરકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે. હવામાન વિભાગના મેપ પ્રમાણે, ગુરૂવારના રોજ કચ્છ, પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી.