
અંબાજી મહામેળાની ધૂમ તૈયારી, ભક્તો માટે મોહનથાળની પ્રસાદીના 40 લાખ બોક્ષ બનાવાશે
વિશ્વ પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી મહામેળાનો પારંભ થશે. ત્યારે અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને પ્રસાદ મેળવવામાં કોઇપણ પ્રકારની અગવડ ન પડે તથા માઇભક્તોને પુરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે અંબાજી ખાતે પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે. આ માટે એજન્સીને અગાઉના દિવસે પ્રસાદ બનાવવાની જાણ કરવામાં આવશે.