જુગારધામ પર પોલીસનાં દરોડા, અંદાજીત 47 લાખના મુદ્દામાલ સાથે 19 જુગારીઓ જડ્પાયા
અમદાવાદમાં થલતેજના ન્યુયોર્ક ટાવરમાંથી જુગાર રમતા 19 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ જુગારધામ એટલો મોટો હતો કે, રૂપિયાની નોટો ગણવા માટે જુગારીઓએ મશીન રાખ્યાં હતા. જોકે આજે પોલીસે જુગારીઓ પર તવાઈ બોલાવતાં તેમને ઝડપી પાડી અંદાજે રુપિયા 47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, આ જુગારધામમાં રીતસરનું કિચન, એર કન્ડિશન, સુવા માટેના બેડ અને સ્પા માટેના મશીનો પણ મળી આવ્યા હતા. એટલું જ નહિ, જુગારીઓ માટે સીસીટીવી સર્વેલન્સની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે ગુજરાતમાં જુગાર રમાય. જુગાર પર પ્રતિબંધ હોવા છતાં લોકો જુગાર રમતા હોય છે. આવામાં અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી પોલીસે હાઈટેક જુગારધામ પકડી પાડ્યું છે. પીસીબીની રેડમાં ન્યુયોર્ક ટાવરના 9 મા માળે 92 નંબરના ફ્લેટમાં જુગાર રમતો ઝડપાયો હતો. જુગાર રમતા 19 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.